સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
અંધીઓ સે ઝગડ રહી હૈ લૌ મેરી, અબ મશાલો સી બઢ રહી હૈ લૌ મેરી
- Advertisement -
– પ્રસૂન જોશી
અત્યારે રામાયણ મૂવીમાં હાન્સ ઝિમર જેવા દિગ્ગજ સાથે કામ કરવાનો મોકો રહેમાનને મળ્યો છે. એ બહાને તેમના ઉત્કૃષ્ટ કામ વિશે ચર્ચા કરીએ
શા માટે મને એ આર રહેમાન માટે બહુ જ માન છે તેના અમુક કારણો. આ બધા મારા ઓબેઝર્વેશન છે. બાકી મારા કરતાં ઘણા વિદ્વાન મિત્રો છે તેઓ આમાં ઉમેરો કરી શકે.
1. રેન્જ: રહેમાનની રેન્જ બહુ જ વિશાળ છે. હિન્દુસ્તાની કલાસિકલથી સાવ હાર્ડ રોક સુધીના અલગ અલગ જોનર તેઓ સંગીતમાં ખૂંદી ચૂક્યા છે. ખાલી રોકસ્ટાર એક જ આલ્બમ જુઓ. કુન ફાયા કુન અને નાદાન પરીંદે – આ બંનેને સરખાવો.
- Advertisement -
2. તાજગી ભર્યા પ્રયોગ: તેઓની એન્ટ્રી પડી ત્યારે બોલિવુડમાં સેમી ગઝલ ટાઇપના ગીતો ચલણમાં હતા. નદીમ શ્રવણ, અનું માલિક, આનંદ મિલિન્દ, રાજેશ રોશન જેવા સંગીતકારો કાનને ડાયાબિટીસ થઈ જાય એવું મધુર પણ મોનોટનસ સંગીત આપતા હતા. આવામાં રહેમાને આવીને આખી ઇન્ડસ્ટ્રી પલટાવી દીધી. એટલા અલગ અલગ પ્રયોગ કે ગણાવતા ગણાવતા થકી જવાય.
દિલ સે ગીતની બીટ્સ, ઉર્વશી ઉર્વશી જેવા ડાન્સ નંબરમાં વચ્ચે વાગતી સારંગી, તન્હા તન્હા યહાં પે જીના ગીતની શરૂઆતમાં આવતી વેસ્ટર્ન ફ્લ્યુટ આવા તો અગણિત મ્યુઝિકલ પીસ હજી ગણાવી શકાય. તેના સિવાય ગીતોની તર્જ પણ ચીલાચાલુ કરતાં હટકે હોય, દા.ત. પ્યાર યે જાને કૈસા હૈ, દૌડ મુવીનું અંડરેટેડ ગીત શબ્બા શબ્બા. સૌથી મહત્વની વાત: આટ આટલા પ્રયોગો કરવા છતાંય ગીતની મધુરતા જાળવી રાખવી. કમનસીબે, હવે તેમના ખુદના ગીતોમાં જ હવે એ સાંભળવા મળતી નથી.
3. ઊંડાણ, ગહનતા: ખાલી આ જ પોઇન્ટ રહેમાનને બાકીના સંગીતકારો કરતાં આગળ મૂકવા સક્ષમ છે. કોઈપણ ગીતના શબ્દો મુજબ તેને યોગ્ય ભાવ મુજબનું સંગીત આપવામાં રહેમાન બહુ એટલે બહુ આગળ છે બીજા સંગીતકારો કરતાં. કદાચ આ જ કારણ હશે કે તેઓ પાર્શ્વસંગીતમાં પણ એટલા જ પ્રભાવી છે જ્યારે બોલીવુડના ઘણા ટોચના સંગીતકારો પાર્શ્વસંગીતમાં તેમની નજીક પણ ક્યાંય નથી.
રોબોટ મૂવીમાં ઓ નાયે ઇન્સાન ગીતનું શરૂઆતનું મ્યુઝિક સાંભળો. સાંભળીને જ એમનમ ખયાલ આવી જાય કે આ ગીત કોઈ વૈજ્ઞાનિક વિશે જ હશે. તે સંગીત મનની અંદર પ્રખર બુદ્ધિમતા ના ભાવ જગાવે છે. એટલું ઉંડાણપૂર્વક સંગીત ઘૂંટી ઘૂંટીને મૂક્યું હોય કે ગજબ.
અગર તુમ સાથ હો ગીતમાં અરીજીતનો અવાજ બે ટોનમાં – એક સાવ નીચ સૂરમાં અને બીજો સાવ ઉંચા સૂરમાં ગાય છે કે જે નાયક વેદના અંતરદ્વંદ્વને સૂચવે છે.
મોહે જી દારોના બે ટ્રેક છે: વિસ્પર્સ ઓફ ધ માઈન્ડ અને વિસ્પર્સ ઓફ ધ હાર્ટ: આ બનેમાં રહેમાને રાતના બોલતા તમરા જેવો અવાજ મૂક્યો છે. હવે આ હાર્ટવાળા ગીતમાં તેઓએ ફિમેલ કોરસનો ઉપયોગ કર્યો છે જે બહુ અસ્થાયી અને ચંચળ ટોનમાં ગાય છે જ્યારે માઈન્ડ વાળા ગીતમાં એક જ ગાયકનો અવાજ છે કે જે બહુ જ મક્કમતાથી ગાય છે. દિલનો ગણગણાટ અસ્થાયી હોય અને મનનો ગણગણાટ મક્કમ હોય એવું તે સૂચવવા માંગતા હોય.
જૂના ગીતોમાં કહું તો યે હસીન વાદિયા ગીતમાં વચ્ચે વચ્ચે આવતું મૌન પહાડોને સૂચવે છે. રહેમાને પોતાના ગીતોમાં મૌનનો ઉપયોગ કેટલી ખૂબીથી કર્યો છે તેના પર પણ અલગ લેખ લખી શકાય.
4. નવી /ઓછી જાણીતી પ્રતિભાને તક: આ પણ મુદ્દો એવો છે કે જેની પર એક અલાયદો લેખ લખી શકાય. રહેમાને ઘણાય નવોદિતોને ટક આપી છે.
મહાલક્ષ્મી ઐયર, કીર્તિ સાગઠીયા, રશીદ અલી, જોનીતા ગાંધી, સાશા તિરુપતિ, અર્જુન ચંડી, નીતિ મોહન જેવા કેટલાય કલાકારોને તેમણે બોલિવુડમાં બ્રેક આપ્યો છે તો સામે સુખવિન્દર સિંહ, મોહિત ચૌહાણ, જાવેદ અલી, હરી હરન, સુરેશ વાડેકર, મોહમ્મદ ઈરફાન, નકાશ અઝીઝ જેવા ગાયકો પાસેથી તેમના લેવલનું કામ મેળવ્યું છે. સુખવિન્દર સિંહના અવાજનો સૌથી ઉત્તમ ઉપયોગ કર્યો હોય તો તે રહેમાને.
ખાલી આ જ નહિ, સાઉથના દિગ્ગજ કલાકારો જેવાકે વિજય પ્રકાશ, બેની દયાલ, કાર્તિક વગેરેને પણ બોલિવુડમાં ચાન્સ આપ્યા છે. તેના સિવાય, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત કલાકારને તેઓ ભારતીય સંગીતમાં લાવ્યા છે. જેમ કે માઈકલ જેક્શન સાથે કામ કરનાર ઓરિયાંથી નામની ગિટારવાદક પાસેથી તેમણે સાડા હક જેવા ગીતમાં કામ લીધું. કાઈલી મીનોગ પાસે ચિગી વિગી ગીત ગવડાવ્યું. આ બને વાત તો જાણીતી છે પણ કેટલાને ખબર છે કે દિગ્ગજ બાસપ્લેયર ગાય પ્રેટે દિલ સે ગીતમાં પોતાનું યોગદાન આપેલ.
બસ, આટલું તો એમ ને એમ ઉભડક લખી નાખ્યું. હવે ક્યારેક વિગતવાર રહેમાનના સંગીતમાં મને ગમતી બાબતો વિશે થોડું વધારે રિસર્ચ કરીને લખીશ. હજી તો આવા 5 6 લેખ લખી શકાય એટલી ગહન અનુભૂતિ છે. આ તો જળમગ્ન હિમશિલાની ટોચ અડક્યાની વાત છે.
પૂર્ણાહુતિ:
ભારતની કુટુંબ વ્યવસ્થા જોતા અહી કોઈ રોકસ્ટાર બને એ શક્ય નથી.
– એ. આર. રહેમાન