સ્કૂલેથી ઘરે જતી 14 વર્ષની માસુમ દીકરીનું અકસ્માતમાં મોત: તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
રાજકોટમાં 14 વર્ષીય રઘુવંશી દીકરી ધ્રુવી દેવાંગભાઈ કોટેચાના કરુણ અકસ્માત મામલે સમગ્ર સૌરાષ્ટ્રના લોહાણા સમાજમાં ભારે રોષ અને દુ:ખની લાગણી જોવા મળી રહી છે. સ્કૂલેથી ઘરે પરત ફરી રહેલી ધ્રુવીનું વાહન ચાલકની બેદરકારીને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મામલે રઘુવંશી અગ્રણી ભાવિનભાઈ ખખર દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, ડીજીપી વિકાસ સહાય અને રાજકોટ કલેક્ટરને પત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે, સમાજની આ દીકરીને સત્વરે ન્યાય મળે અને ભવિષ્યમાં આવા બેદરકારીભર્યા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ કડક પગલાં લેવા જોઈએ.
રઘુવંશી સમાજની માંગ છે કે આ કેસની તપાસ કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીને સુપ્રત કરવામાં આવે, જેથી તટસ્થ અને યોગ્ય કાર્યવાહી થઈ શકે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાંથી પણ આ મામલે તંત્રને રજૂઆતો થઈ રહી છે. પીડિત પરિવારની વેદનાને ધ્યાને રાખીને દોષિત વાહન ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી પત્રમાં દોહરાવવામાં આવી છે.



