આકાર ઈવેન્ટ્સ દ્વારા પ્રસ્તુત ‘રાઘવથી માધવ સુધી’ કાર્યક્રમ નાના-મોટા સૌ કોઇએ માણવા લાયક
ખાસ-ખબર સંવાદદાતા
આકાર ઈવેન્ટ્સ નયન ભટ્ટ મૃણાલીની ભટ્ટ દ્વારા તા. 8ના રાત્રે 9-30 કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે રાજ્ય સરકારના સંગીત નૃત્ય નાટ્ય અકાદમીની આર્થિક સહાયથી જાહેરજનતા માટે ‘રાઘવથી માધવ સુધી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના પ્રસંગો રજૂ થશે. ગુજરાતી હાસ્ય જગતના બે દિગ્ગજ કલાકારો ગુણવંત ચુડાસમા અને મિલન ત્રિવેદીને લોકો પહેલી વખત એક જુદા જ કિરદારમાં જોશે અને માણશે. સમગ્ર વિશ્ર્વ જ્યારે સનાતન ધર્મના રંગે રંગાયુ છે ત્યારે ગુજરાત પાછળ રહી જાય તે કેમ ચાલે, અને એમાં પણ આપણે તો ગુજરાતી એક મુઠ્ઠી ઉંચેરો માનવ જેનું સમગ્ર જીવન સનાતન રંગે રંગાયેલું છે એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સર્વે સનાતની અને હિંદુ સમાજની અપેક્ષાઓ પરિપૂર્ણ કરે અને અયોધ્યામાં 500 વર્ષની પ્રતીક્ષા પછી ભગવાન રામ બિરાજમાન થાય તો એ આપણે અમૃત કાળથી પણ વિશેષ એવો સદીનો સૌથી વિશેષ સુવર્ણકાળ આવ્યો ગણાય. આકાર ઈવેન્ટ્સ અને નયન ભટ્ટ અને મૃણાલિની ભટ્ટ દ્વારા નિર્મિત સંગીતના સથવારે રાઘવ કેતા ભગવાન રામ અને માધવ મહેતા ભગવાન શ્રીકૃષ્ણના ઓવારણા લેવાનો દિવ્ય અવસર સમી પ્રસ્તુતિ એટલે ‘રાઘવથી માધવ સુધી’. અહીં વાત કરીશું મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા જીવનમાં શું ફરક લાવી શકે અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ આપણા જીવનમાં કઈ રીતે અણુએ અણુમાં વ્યાપેલા છે તેની. આજ સુધીમાં ભગવાન શ્રીરામને અને ભગવાન શ્રીકૃષ્ણ મહાભારત અને રામાયણમાં લોકોએ અલગ અલગ રીતે માણ્યા છે. અહીં અમારો પ્રયત્ન છે કે લોકસાહિત્યમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શિષ્ટ સાહિત્યમાં ભગવાન શ્રીરામ. ઉપરાંત લોકસાહિત્યમાં ભગવાન શ્રીરામ અને શ્રેષ્ઠ સાહિત્યમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણી સાથે કઈ રીતે સંલગ્ન છે. બંને સાહિત્યમાં કવિઓએ શબ્દદેહ આપી અને બહુ સારી સારી રચનાઓ સમાજને આપી છે. પ્રેક્ષકો સાથે ગણગણી શકે, તાલીઓનો સાથ આપી શકે તેવા લોકસાહિત્ય અને સુગમના ગીતોનો સથવારો સમગ્ર કાર્યક્રમને એક માતબર ઉંચાઈ સુધી પહોંચાડે છે. કાર્યક્રમમાં સુરનો સથવારો સ્વર કિનરી ઉર્વશી પંડ્યા તથા આશાઢી કંઠના માલિક એવા સંદીપ પ્રજાપતિ દ્વારા પ્રાપ્ત થયો છે. સમગ્ર સંગીત દિગ્દર્શન ભાર્ગવ ચાંગેલા કરશે. કાર્યક્રમની શરૂઆત લોકસાહિત્યકાર સાંઈરામ દવેના એક જાજરમાન ગીતથી થશે. આજસુધી લોકોએ ગુણવંત ચુડાસમા અને મિલન ત્રિવેદીને હાસ્ય જગતના મહારથી તરીકે સ્વીકાર્યા છે તેઓ પ્રથમ વખત મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમને એક નવી જ શૈલીમાં લોકો સમક્ષ રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનો હેતુ સનાતનતા રંગને વિશ્ર્વના ફલક સુધી વિસ્તાર કરવા માટે હિન્દુ ધર્મને વિશ્ર્વના છેવાડા સુધી પહોંચાડવાનો છે.