1 વર્ષ મોડી સાયકલ મળી અને રૂ.70 ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ ચૂકવવો પડ્યો!
અમુક સાઇકલ સીધી જ રિપેરિંગમાં આપી રૂ.200 વધારાના ચુકવવા પડે તેવી ભંગાર અને કાટ ખાઇ ગયેલી હાલતમાં હોવાથી છાત્રાઓ અને વાલીઓમાં રોષ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 55 વિદ્યાર્થિનીઓને સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સરસ્વતિ સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલો એક વર્ષ મોડી આપવામાં આવી હોવાનો અને તેમાંયે અમુક સાયકલ ફોલ્ટ વાળી અને ભંગાર હાલતમાં પધરાવી દેવામાં આવી હોવાનો આક્રોશ વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ ઠાલવ્યો છે અને સાથે સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ અમુક સાયકલને સીધી જ રિપેરિંગમાં આપવી પડે તેવી હાલત છે. એટલું જ નહીં, શાળા સંચાલકોએ તેના માટે સાયકલ દીઠ રૂ. 70 ટ્રાન્સપોર્ટેશન ચાર્જ વસુલ્યો છે. આથી સંબંધિત તંત્ર સામે ક્યાં અને કઇ રીતે આવી ક્ષતિ રાખવામાં આવી તેની તપાસ થાય તો મોટું કૌભાંડ ખુલે તો નવાઇ નહીં!
સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 8 પાસ કરી ધોરણ 9 માં પ્રવેશતી વિદ્યાર્થિનીઓને શાળાએ જવા આવવા માટે મુશ્કેલી ન પડે તે માટે સાયકલ આપવામાં આવે છે. પરંતુ અધિકારીઓની લાપરવાહીથી વિદ્યાર્થિનીઓને ટાઇમસર સાયકલ મળતી નથી. જે પરંપરા આ વર્ષે પણ જળવાઇ છે. રાજકોટ જિલ્લાના વીરપુરમાં મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં વીરપુર તેમજ કાગવડ ,થોરાળા,જેપુર સહિતના ગામડાઓમાંથી વિદ્યાર્થિનીઓ આવે છે, જેમને ધો. 9માં સાયકલ મળી જવી જોઇતી હતી એ એક વર્ષ મોડી એટલે કે ધો.10માં મળી છે. એટલું જ નહીં, અમુક સાયકલ ફોલ્ટવાળી છે તો અમુકને કાટ લાગી ગયો છે. અમુક તો ચાલી જ શકે તેવી કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે આ સાયકલ નિશુલ્ક પહોંચાડવાની હોય છે તેના બદલે સંચાલકોએ ગોંડલથી વીરપુર લાવવાનો સાયકલ દીઠ રૂ.70 નો ખર્ચ પણ વાલીઓની કેડ પર નાખી દીધો હોવાથી હોબાળો થયો છે. તો બીજી તરફ અમુક સાયકલ સીધી રિપેરિંગમાં અપાતાં વધારાના 200 રૂપિયા ખર્ચવા પડ્યા હોવાનો વાલીઓનો આક્ષેપ છે.