આગામી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત બનાવવા અંગે ચર્ચા-વિચારણા
ખાસ-ખબર ન્યૂઝ રાધનપુર
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરામાં આવેલા ભીમનાથ મહાદેવના મંદિરે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા એક લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો અને બાસ્પા જિલ્લા પંચાયત સીટના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કોંગ્રેસના આગેવાનો દ્વારા ભોળાનાથની શિવ વંદના કરીને કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આગામી સમયમાં આવી રહેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રણનીતિ ઘડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સ્થાનિક સ્તરે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ’વોટ ચોરી મુહિમ’માં લોકોને જાગૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. કોંગ્રેસની વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન અપાયું.આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય અને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવે તે માટેની વ્યૂહરચનાઓ પર પણ વિચાર-વિમર્શ થયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભચાભાઈ આહીર, રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ ડો. ઝુલા સાહેબ, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જયાબેન ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય જગદીશ ઠાકોર સહિત અનેક પૂર્વ પ્રમુખો, મંત્રીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ એકબીજાને માર્ગદર્શન આપીને કોંગ્રેસને વિજયી બનાવવા માટે સંકલ્પ કર્યો હતો.