વધુ સારવાર માટે એકને જુનાગઢ અને 10ને વેરાવળ રિફર કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામે હડકાયાં થયેલ કુતરાએ ગામના 13 લોકો ઉપર હુમલો કરી બટકા ભરતા કુતરાના આતંક થી ગામ લોકો ભયભીત થઈ ગયા છે.
આજે સવારે ગામમાં ગળામાં લાલ કલરનો પટો બાંધેલ કાળા કલરનો રખડતો કૂતરો હડકાયો થયો હતો.આ કૂતરાએ ગામના ચાર ચોકમાંથી કરડવાનું શરૂ કરી ત્યાંથી ગામમાં ઘૂસી આવ્યું હતું.ગામની તમામ શેરી મહોલ્લામાં આમથી તેમ ભટકી જે લોકો રસ્તામાં મળે તે તમામ લોકોને બટકા ભર્યા હતા.કુતરાએ કુલ 13 લોકો ઉપર હુમલો કરી બટકા ભર્યા હતા.તમામ લોકોને આંકોલવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
- Advertisement -
આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર અજયભાઈ હડિયાએ જણાવ્યું હતું કે દાખલ કરેલ 13 લોકો પૈકી મોહનભાઈ રામભાઈ બાંભણિયા ઉ.વ.42 ની સ્થિતી ગંભીર હોય જુનાગઢ રીફર કર્યા છે જ્યારે રતિભાઈ ભગવાનભાઈ ઉ.વ.55,ભીખુભાઈ કરમશીભાઈ દુધાત્રા ઉ.વ.60,ગીરીશભાઈ હરદાસભાઇ સોજીત્રા ઉ.વ.48,અશોકભાઈ દેવશીભાઈ શિંગાળા ઉ.વ.42,ભરતભાઈ વિનુભાઈ સેંજલીયા ઉ.વ.25,મેણશીભાઈ ઉકાભાઇ જાદવ ઉ.વ.35,હરેશભાઈ ધીરુભાઈ વઘાસિયા ઉ.વ.40,જીતેન્દ્રભાઈ ડાયાભાઈ તારપરા ઉ.વ.60 રે.બધા આંકોલવાડી ગીર,ચકુભાઈ હંસરાજભાઈ નંદાણીયા ઉ.વ.55 રે.મંડોરણા,હરેશભાઈ બાબુભાઈ ઉ.વ.45 રે.પ્રશ્નાવડા વિગેરે દશ લોકોને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કર્યા છે.જ્યારે લાલજીભાઈ બાલુભાઈ બાંભણિયા ઉ.વ.35,રામભાઈ નારણભાઈ કોળી ઉ.વ.34 રે.બંને આંકોલવાડી વાળાને સામાન્ય ઇજાઓ હોય પ્રાથમિક સારવાર આપી હતી.આંકોલવાડી ગીર ગામે હડકાયા કૂતરાએ આખા ગામમાં આતંક મચાવતા ગામ લોકો ફફડી ગયા હતા.હડકાયો કુતરો ગામમાં વધુ કોઈ ઉપર હુમલો કરે નહીં માટે કુતરાને ગામની બહાર કાઢવા ગામના યુવાનો કામે લાગ્યા છે.