પાછલી બે ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ જનારી સિંધુએ આ વખતે જીત મેળવી પ્રિ-ક્વાર્ટરમાં કરી એન્ટ્રી: ત્રીશા-ગાયત્રીની જોડી હારીને બહાર: પ્રણોયે જાપાની ખેલાડીને કર્યો પરાજિત
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ ઈન્ડોનેશિયા ઓપન વર્લ્ડ ટુર સુપર-1000 ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં સ્થાનિક દાવેદાર ગ્રિગોરિયા મારિસ્કા તુંજુંગ વિરુદ્ધ જીત મેળવી ધમાકેદાર શરૂઆત કરી છે. પાછલી બે ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ જનારી ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ આ ટૂર્નામેન્ટમાં હરિફ ખેલાડીને 38 મિનિટમાં 21-19, 21-15થી હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે.
- Advertisement -
સિંધુની ગ્રિગોરિયા વિરુદ્ધ પાછલી ત્રણ મેચમાં આ પહેલી જીત છે. તેને ઈન્ડોનેશિયાની આ ખેલાડી વિરુદ્ધ ચાલું વર્ષે મેડ્રિડ માસ્ટર્સ અને મલેશિયા માસ્ટર્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સિંધુની ગ્રિગોરિયા વિરુદ્ધ 10 મેચમાં આ આઠમી જીત છે જ્યારે તેણે બે વખત હારનો સામનો કરવો પડ્યો છે. હવે સિંધુ વિશ્ર્વની ત્રીજા નંબરની ખેલાડી તાઈ જૂ યિંગ સામે ટકરાશે. તાઈવાનની આ ખેલાડીએ સિંધુ વિરુદ્ધ સળંગ આઠ મુકાબલા જીત્યા છે.
બીજી બાજુ ફોર્મમાં રમી રહેલા એચ.એસ.પ્રણૉય પણ જાપાનના કેન્ટા નિશિમોટોને 50 મિનિયમાં 21-16, 21-14થી હરાવીને આગલા તબક્કામાં પ્રવેશ કરવામાં સફળ રહ્યો છે. પાછલા મહિને મલેશિયા માસ્ટર્સ સુપર-300નો ખીતાબ જીતનારા સાતમા ક્રમાંકિત ભારતીય પ્રણૉય આગલા રાઉન્ડમાં હોંગકોંગના ખેલાડી સામે ટકરાશે.
આ બન્ને ઉપરાંત ત્રીજા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતીય જોડીનો પરાજય થતાં તેમણે બહાર થવું પડ્યું છે.
- Advertisement -