હાઇકોર્ટ, SITનો રિપોર્ટ ત્રણ માસમાં રજૂ કરવા સરકારે કોર્ટને બાંહેધરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં ગઈકાલે રાજય સરકાર તરફ્થી અદાલતને હૈયાધારણ અપાઇ હતી કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા તેની તપાસનો અંતિમ અહેવાલ ફાઇનલ રિપોર્ટ ત્રણ મહિનામાં રજૂ કરી દેવાશે. જેથી હાઇકોર્ટે સરકારપક્ષને સ્પષ્ટ જણાવ્યું કે, આ રિપોર્ટ તમે સીલબંધ કવરમાં નહીં પરંતુ ઓપન કોર્ટમાં રજૂ કરજો કે જેથી લોકોને સાચી હકીકતની જાણકારી મળી રહે.
ગત તારીખ 30-10-2022ના રોજ સર્જાયેલી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના કરુણ મોત નીપજયા હતા. ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ હતી. જેમાં અગાઉ સરકારપક્ષ અને ઓરેવા ગ્રુપ તરફ્થી મૃતકોના વારસોને ચૂકવાયેલા વળતર અંગેની વિગતો કોર્ટના રેકર્ડ પર રજૂ કરાઇ હતી. પરંતુ હાલ ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ નવા આવ્યા હોઇ તેમને આ કેસની સમગ્ર વિગતોથી આજે વાકેફ કરવામાં આવ્યા હતા.
ચીફ જસ્ટિસને કેસની વિગતો અને તેની સંવેદનશીલતાને બહુ ગંભીરતાથી લીધી હતી અને એક તબક્કે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનદ્રા માયીની ખંડપીઠે સરકારપક્ષને ટકોર કરી હતી કે, આ કરુણાંતિકામાં અનાથ થયેલા બાળકોના ભણતર, આશ્રય અને ખાધાખોરાકીની જવાબદારી રાજય સરકારની છે. તો, દુર્ઘટનાને લઇ ઓરેવા ગ્રુપ પણ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના નિર્દેશોના પાલન સંબંધી સરકારે શું પગલાં લીધા તે મુદ્દે પણ સરકારનો જવાબ માંગ્યો હતો. તો સીટના અંતિમ અહેવાલ બાદ કેસની તપાસમાં કોઇ ત્રુટિઓ જણાશે તો તપાસ અન્ય સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવી કે નહીં તેનો પણ અદાલત આગામી સુનાવણીમાં નિર્ણય કરશે તેવો પણ સંકેત હાઇકોર્ટે આપ્યો હતો. રાજય સરકાર, પીડિતો સહિતના સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહબાદ એટલે કે, તારીખ 25મી સપ્ટેમ્બરના રોજ મુકરર કરી હતી.