5016 ખેડૂતો પૈકી તાલાલા અને જશાધાર બંને કેન્દ્રો ઉપરથી 1703 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.11
- Advertisement -
તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીન ખરીદવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હોય ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. તાલાલા પંથકના કુલ 5016 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી આપવા તથા 2451 ખેડૂતોએ સોયાબીન આપવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.તાલાલા પંથકના ખેડૂતોને સારી સવલત આપવા માટે ટેકાના ભાવે ખરીફ ફસલ તાલાલા અને જશાધાર ગીર બે જગ્યાએથી ખરીદી કરવામાં આવી રહી છે જે પૈકી માલજીંજવા ગામની એકતા શાકભાજી સહકારી મંડળી દ્વારા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં તથા કેદાર સેવા સહકારી મંડળી દ્વારા જશાધાર ગીર ગામે ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.સોમવાર સુધીમાં તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે 854 ખેડૂતો પાસે 47954 ગુણી મગફળી તથા 104 ખેડૂતો પાસેથી 2501 ગુણી સોયાબીન ની ખરીદી કરવામાં આવી હતી.આ ઉપરાંત જશાધાર ગીર ગામે 849 ખેડૂતો પાસેથી 49554 મગફળી તથા 140 ખેડૂતો પાસે 3548 ગુણી સોયાબીન ની ખરીદી કરવામાં આવી છે.
તાલાલા પંથકમાં તા.9/11/2025 થી ટેકાના ભાવે ખરીફ ફસલ ખરીદવાનો પ્રારંભ થયાં બાદ એક માસમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ કુલ 5016 ખેડૂતો પૈકી બંને કેન્દ્રો ઉપરથી કુલ 1703 ખેડૂતો પાસે મગફળી તથા 2451 પૈકી 244 ખેડૂતો પાસેથી સોયાબીન ની ખરીદી કરવામાં આવી છે.તાલાલા પંથકના 45 ગામના ખેડૂતોએ એક માસમાં કુલ 97508 ગુણી મગફળી અને 6049 ગુણી સોયાબીન નું વેચાણ કર્યું છે.બંને ખરીદ સંસ્થાના પ્રમુખ રાજાભાઈ વાઢેર તથા વિશ્વજીતસિંહ મોરી દ્રારા મગફળી અને સોયાબીન નું વેચાણ કરવા આવતા ખેડૂતોને કોઈ મુશ્કેલી પડે નહીં,ખેડુતો સરળતાપૂર્વક વેંચાણ કરી શકે માટે બંને કેન્દ્રો ઉપર પુરતી સુવિધા કરવામાં આવી છે.મગફળી અને સોયાબીન ની પારદર્શકતા અને સરળતાપૂર્વક થતી ખરીદીથી તાલાલા પંથકના ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો છે.
તાલાલા પંથકના ખેડૂતોને રૂ.24 કરોડ 55 લાખ ખરીફ ફસલનાં ચુકવાયા
તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો પાસેથી ખરીફ ફસલની સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે જે પૈકી બંને કેન્દ્રો ઉપર મગફળી વેંચાણ કરનાર 1703 ખેડૂતોને રૂ.23 કરોડ 16 લાખ 67 હજાર 249 તથા સોયાબીન નું વેચાણ કરનાર 244 ખેડૂતોને રૂ.1 કરોડ 38 લાખ 98 હજાર 088 સાથે ખરીફ ફસલના કુલ રૂ.24 કરોડ 55 લાખ 65 હજાર 337 નું ચુકવણું કરવામાં આવ્યું છે.બાકી રહેતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવેથી મગફળી અને સોયાબીન ની ખરીદી પુરજોશમાં ચાલી રહી છે.



