ખાડીપૂરથી ત્રણ ફૂટ સુધી ગંધાતા પાણીમાં મીઠી ખાડીના વિસ્તારો ગરકાવ, મચ્છરોનો ઉપદ્રવ
ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.24
- Advertisement -
સુરતમાં ગત રવિવાર(21 જુલાઈ, 2024)ની સાંજથી વરસાદ શરૂ થયો હતો, જે બુધવાર રાત સુધી એટલે કે ચાર દિવસ સુધી વરસ્યો હતો. તેની સાથે સાથે જિલ્લામાં પણ વરસાદના કારણે સુરતના મધ્ય ભાગમાંથી પસાર થતી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણી આવવાથી ખાડીની સપાટી ભયજનક લેવલે પહોંચી ગઈ હતી. જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ભદવાડ, કાકરા, સીમાડા અને મીઠી ખાડી કાંઠા વિસ્તાર છેલ્લા સાડા ત્રણ દિવસથી કાળા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આમ સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા મળી રહી છે. જો કે આજે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે. જેથી ખાડીના લેવલમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. ખાડીની સપાટીમાં ઘટાડો થયા બાદ જ કાંઠા વિસ્તારોનું પાણી ઊતરશે.
સુરતના લિંબાયત મીઠી ખાડીમાં આવેલા અનેક વિસ્તારોમાં ખાડી પૂર આવ્યું છે.
જેથી મીઠી ખાડી સ્લમ વિસ્તાર, બેઠી કોલોની, પતરાની ચાલ, ઈન્દિરા આવાસ, ક્રાંતિ નગર, રાવ નગર, રતનજી નગર, કમરુ નગર, ગરીબ નવાઝ નગર, ઓમ નગરમાં પાણી ભરાયેલાં છે. કાંકરા ખાડીને અડીને આવેલા ભટારના રસુલાબાદ, આંબેડકર નગર, આઝાદ નગર વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. સીમાડા ખાડીને અડીને આવેલા ખડસદ, કઠોદરા, પાસોદરા આ ગામતળ વિસ્તારમાં, સીમાડામાં વાલમ નગર સોસાયટી, સરથાણા વ્રજ ચોક, સણિયા હેમાદ, સારોલી ગામ, ભારત કેન્સર હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ભરાયેલાં છે. ભેદવાડ ખાડી કિનારે આવેલા સંજય નગર, મોરાજી વસાહત, કૃષ્ણ નગર, આરઝેડએ નગર, નાગસેન નગરમાં પાણીનો ભરાવો થયો છે. સુરત શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખાડીપૂર આવી ગયું છે. ભેદવાડ ખાડી ગત રોજ બપોરે ઓવરફ્લો થઈ જતા ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, સાંજે લેવલ ઘટી ગયું હતું. જ્યારે સીમાડા ખાડી હજુ પણ ઓવરફ્લો છે. જ્યારે મીઠી સહિતની અન્ય ખાડીઓ પણ ડેન્જર લેવલથી નજીક વહી રહી હતી. તેના કારણે શહેરની જુદી જુદી 22 જગ્યાએ પાણીનો ભરાવો થયો છે. તેમાંથી માત્ર 6 જગ્યાએ જ પાણીનો નિકાલ થયો છે. અનેક જગ્યાએ ગટરનું પાણી બેક માર્યું છે.
જ્યાં ક્યારેય પાણી નથી ભરાતાં એવા પ્લાનિંગ સાથે ડેવલોપ થયેલા વેસુ વિસ્તારમાં ખાસ કરીને વીઆઇપી રોડ અને ન્યુ વીઆઇપી રોડ, ખાટુશ્ર્યામ મંદિર, મહાવીર કોલેજની આસપાસ વગેરે જગ્યાએ પાણી ભરાતાં આશ્ર્ચર્ય સર્જાયું હતું. જ્યારે આ પાણી સાડા ત્રણ દિવસ સુધી નહીં ઊતરતા લોકો તંત્ર પર પસ્તાળ પાડી રહ્યા છે.
- Advertisement -
ખાડીપૂરને કારણે 955 લોકોનું સ્થળાંતર કર્યું
સુરતમાં આવેલા ખાડીપૂરના કારણે અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયા હતા. તેના કારણે ગત રોજ દિવસ દરમિયાન 955 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ખાડીપૂરના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને સંખ્યાબંધ વિસ્તારોમાં ફાયર વિભાગની બોટ ફરતી જોવા મળી હતી. ગતરોજ દિવસ દરમિયાન સ્થળાંતર કરાયેલા લોકો સાથે અન્ય અસરગ્રસ્તોને 17700થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સૌથી વધુ અસર મીઠી ખાડી કાંઠા વિસ્તારમાં
સુરત જિલ્લામાં પડેલા સાંબેલાધાર વરસાદના કારણે સુરતમાં ખાડીપૂર આવ્યું છે. તેમાં લિંબાયતની મીઠી ખાડી કિનારે વસવાટ કરનારા શ્રમજીવીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. શ્રમજીવી પરિવારના 50 હજાર જેટલા લોકો છેલ્લા સાડા ત્રણ દિવસથી પાણીમાં ફસાયા હોવાથી તેમની હાલત દયનીય બની ગઈ છે. આ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારો રોજ કમાઇને રોજ ખાનારા છે. પરંતુ ત્રણ દિવસથી પાણી ઘરમાં હોવાથી તેઓ નોકરી-ધંધે જઈ શક્યા નથી અને ઘરમાં પણ ઘણું નુકસાન થયું છે. આવા પરિવારોને માથે આકાશમાંથી આફત વરસી રહી છે અને તેઓની હાલત વધુ કફોડી થઈ રહી છે.