મૌની અમાસે પ્રયાગરાજમાં ગંગાસ્નાન માટે જતા શંકરાચાર્યજીને રોકતા વિવાદ વકર્યો
યોગી આદિત્યનાથ શંકરાચાર્યજીની સમક્ષ જઈ પ્રશાસનની ભૂલ બદલ ક્ષમા માંગે
- Advertisement -
શિષ્યો પર પોલીસ કાર્યવાહી, પરંપરા અને માનવાધિકારોના ભંગના આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મૌની અમાસના પવિત્ર અવસરે પ્રયાગરાજમાં ગંગાસ્નાન માટે જતા જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અનંત વિભૂષિત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજને પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યા હોવાના આક્ષેપોએ વિવાદ ઊભો કર્યો છે. આ ઘટનામાં શંકરાચાર્યજીના અનેક અનુયાયીઓ સાથે ધક્કામુક્કી અને મારપીટ કરી ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, શંકરાચાર્યજી સાથે દંડી સ્વામી અપ્રમેયજીને રસ્તામાં જ પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દંડી સ્વામી જ્યોતિર્મયાનંદ, દંડી સ્વામી મુકુંદાનંદજી, કિશોર દવે, ગાર્ગી પંડિત, અનુરાગ શર્મા, દેવેન્દ્ર પાંડે, સંજય સતીશ, અખિલેશ બ્રહ્મચારી સહિત 40થી વધુ લોકો અને વિદ્યાર્થીઓને કોઈ પૂર્વ જાણ વિના પોલીસ મથકમાં કેદ રાખવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
આક્ષેપ છે કે કોઈ ગુનો ન હોવા છતાં શંકરાચાર્યજીના શિષ્યો પર ઢોર માર મારવામાં આવ્યો, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. મહિલા સાધ્વીઓ સાથે પણ અમાનુષી વર્તન કરી મહિલાના અધિકારો અને માનવાધિકારોનો ભંગ થયો હોવાનું જણાવાયું છે. વધુમાં, શંકરાચાર્યજીનું પરંપરાગત છત્ર છીનવી લેવામાં આવ્યું અને તેમને આરોપીની જેમ વર્તન કરવામાં આવ્યું હોવાના દાવાઓ કરવામાં આવ્યા છે.
હિંદુ પરંપરા મુજબ કુંભ અને માઘ મેળામાં શંકરાચાર્યની પેશવાઈ તથા પાલખી યાત્રા દ્વારા સ્નાન માટે જવાની પરંપરા અનાદિ કાળથી ચાલી આવી છે. રાજા સુધન્વાના સમયથી શંકરાચાર્યના સિંહાસન, છત્ર, છડી અને પાદુકા પરંપરાગત રીતે ધારણ કરવામાં આવે છે. આ પરંપરા વિરુદ્ધ શંકરાચાર્યજીને સ્નાન માટે રોકવું અને છત્રને નુકસાન પહોંચાડવું સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુના અપમાન સમાન ગણાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈ હિંદુ જનસમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોની માંગ છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શંકરાચાર્યજીની સમક્ષ વ્યક્તિગત રીતે જઈ પ્રશાસનની ભૂલ બદલ ક્ષમા માંગે તેમજ શંકરાચાર્યજીના પદ અને પ્રતિષ્ઠાને અનુરૂપ ગંગાસ્નાન કરાવી પ્રાયશ્ચિત કરે.



