લોકો મિલકત લે-વેંચ કરી શકશે નહીં!
કાળો કાનૂન પાછો નહીં ખેંચાય તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પાળ પીટાઈ જશે
- Advertisement -
આ કાયદા પાછળ સરકારનો હેતુ ખોટા દસ્તાવેજ રોકવાનો પરંતુ સાચા લોકો પણ દસ્તાવેજ નહીં કરી શકે
રેવન્યુ બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ફોર્મ નં-1 હટાવવાની માંગ
બિનખેતીનો હુકમ અને પ્લાન રજૂ કરવાનો નવો નિયમ અવ્યવહારૂ
- Advertisement -
નવા કાયદા મુજબ ફોર્મ નં. 1માં બિનખેતીનો હુકમ અને બાંધકામનો પ્લાન ફરજિયાત બતાવ્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે બાંધકામ પરવાનગીથી માંડીને બિનખેતીના હુકમ અને પ્લાનની નકલની જોગવાઇ અનિવાર્ય કરતું ફોર્મ નંબર-1 અમલી કરતા દસ્તાવેજ નોંધણી બંધ થઈ જશે. આવા કાળા કાયદાથી કોઈ વ્યક્તિ મિલકતની લે વેચ નહીં કરી શકે જેને લઈ વકીલો અને સામાન્ય જનતાએ પણ વિરોધ દર્શાવ્યો છે. રાજ્યના નોંધણી નિરીક્ષકે મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે બાંધકામ પરવાનગી ઉપરાંત બિનખેતીના હુકમની નકલ પણ ફરજિયાત બનાવી છે. અત્યાર સુધી આવા આધાર- પૂરાવા મરજિયાત જેવા હતા. જેને લઈને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના હોદ્દેદારોએ ગઈકાલે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને મામલે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે જે પૂરાવાઓ જોડવાનું ફરજિયાત બનાવાયું છે તે રજૂ કરવા કોઈપણ સંજોગોમાં વ્યાજબી નથી અને જાહેરનામું સરકારની માર્ગદર્શક સૂચનાની વિરૂધ્ધ છે, પરિપત્ર હાઈકોર્ટના જજમેન્ટની વિરૂધ્ધ છે. બિનખેતીનો હુકમ અને પ્લાન રજૂ કરવાનું બિનવ્યવહારૂ છે. નવું ફોર્મ નંબર-1 વાસ્તવિક સ્થિતિ સાથે સુસંગત નહીં હોવાનું કારણ આગળ ધરીને એ ફોર્મ રદ્દ કરાવવાની માગણી ઉઠાવવામાં આવી હતી.
50થી 60 વારમાં મકાન બનાવવા માટે મંજૂરી મળશે પણ કોઈ પ્લાન ફીટ નહીં બેસે!
આ કાળા કાયદાના લીધે લોકો પોતાના સપનાનું ઘર નહીં બનાવી શકે. કારણ કે, ઘર બનાવવા માટે કમ્પલિશન સર્ટિફિકેટ તો મળશે પણ 50થી 60 વારમાં ઘર બનાવવા માટે કોઈ પ્લાન ફીટ નહીં બેસે જેથી મુશ્કેલી પડશે.
નવા કાયદા મુજબ 50થી 60 વારમાં આવું મકાન બની શકે
રાજકોટની જો વાત કરવામાં આવે તો શહેરમાં 60થી 65 ટકા મકાનો અને બિલ્ડિંગો એવા છે કે જેમાં પૂરતા દસ્તાવેજો નથી. બિનખેતીના હુકમ કે, લે આઉટ પ્લાન નથી. જૂના રાજકોટમાં રાજા રજવાડાના સમયમાં જે મકાનો ઉભેલા છે તેના બિનખેતીના હુકમો કે અન્ય કોઈ પૂરાવા નથી. જેથી તે ભવિષ્યમાં વેચી ન શકાય અને જો તેને પાડવામાં આવે તો નવા બાંધકામ માટે મહાનગરપાલિકા મંજૂરી નથી આપતી આમ તંત્રના અંદરોઅંદરના સંકલનના અભાવે સામાન્ય જનતા હેરાન થશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ ડી.જે. મીઠાણીએ તો ત્યાં સુધી કહ્યું કે રાજકોટ જેવા શહેરમાં જ જૂનવાણી પૈકી 60 ટકા મિલકતો પ્લાન પાસ કરાવ્યા વિનાની છે તે જોતાં તો દસ્તાવેજ નોંધણી જ ઠપ્પ થઈ જાય તો જૂના ગામતળમાં આવેલાં મકાનો- ઈમારતોનાં બાંધકામના પ્લાન પણ નથી પરંતુ એ કારણથી તેવા લોકો પોતાના દસ્તાવેજની નોંધણી જ ન કરાવી શકે.
રેગ્યુલાઈઝ થયેલી સૂચિત સોસાયટીના મકાનો પણ નહીં વેચી શકાય: એડવોકેટ હિતેષ મહેતા
સમગ્ર ગુજરાતમાં અમલી બનેલા નવા કાયદાને વકીલોએ વખોડી કાઢ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી આ કાયદા પાછા ખેંચવા માટે ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ છે. ત્યારે રાજકોટમાં રેવન્યુની પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ હિતેષ મહેતાના કહેવા પ્રમાણે આ કાયદાથી નાગરિકો પરેશાન થઈ જશે. નવું મકાન લેવું હોય કે, જૂનું મકાન વેચવું હોય તો તેને ફોર્મ નં-1ની શરત પ્રમાણે ડોક્યુમેન્ટ આપવા પડશે જે તેમની પાસે નહીં હોય તો લોકો જૂનું મકાન વેચી નહીં શકે અને લઈ પણ ન શકે. આ કાયદાથી લોકોને ફક્ત હેરાનગતિનો સામનો કરવો પડશે. જ્યારે થોડા સમય પહેલા કેટલીક સૂચિત સોસાયટીને સરકારે ફી લઈને કાયદેસર કરી તો તેના બિનખેતીની નકલ કે પ્લાનની મંજૂરી નહીં હોય. તે લોકો પણ હવે મકાન વેચી નહીં શકે જે મુદ્દે રેવન્યુ બાર એસોસિએશન મહેસૂલ મંત્રીને પણ રજૂઆત કરશે.
નવા કાયદા મુજબ હવે બિનખેતીનો હુકમ બિનજરૂરી છે: સિનિયર એડવોકેટ નલિન પટેલ
રાજ્યપાલ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં મિલકતની લે-વેંચ માટે કેટલાંક નવા નીતિ-નિયમો અમલમાં મૂકાયા છે ત્યારે આ નવા નિયમોથી શું ફેર પડશે તે અંગેનાં સવાલનાં જવાબમાં નલિનભાઈએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા 6 પાનાનું એક ફોર્મ નં -1 જાહેર કર્યું છે જે મકાન ખરીદી તથા વેચાણના દસ્તાવેજો માટે છે. જેમાં બિનખેતીનો હુકમ બિનજરૂરી છે ટાઈટલ સાથે કોઈ લેવાદેવા નથી આ પહેલા ઈનપુટ શીટ હતી જે યોગ્ય હતી. તેવું સિનિયર વકીલ નલિન પટેલે જણાવ્યું હતું. નલિન પટેલે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ જણાવ્યું હતું કે, વર્ષ 1960માં જે વ્યક્તિએ જમીન વેચીને પ્લોટ પાડ્યા હોય તેના નામનો બિનખેતીનો હુકમ હોય ત્યારબાદ તેમણે જે વ્યક્તિને મકાન વેચ્યું હોય તેને બિનખેતીના હુકમની નક્કલ ન આપી હોય તેવા લોકો અત્યારની સ્થિતિએ શું કરશે તે એક મોટો સવાલ છે.
માલિકી હક્ક ધરાવનાર મિલકત નહીં વેંચી શકે જે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ
નવા ફોર્મ-1ની સાથે જૂના પુરાવાઓ રજૂ કરવાનું ફરજિયાત જણાવ્યું છે તે કોઇ પણ સંજોગોમાં વાજબી નથી, જે જાહેરનામું સરકારની માર્ગદર્શક સૂચનાઓની વિરુદ્ધ છે. એટલું જ નહિ પુરાવાઓ ફરજિયાત રજૂ કરવાનો પરિપત્ર ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટની પણ વિરુદ્ધ છે. જેથી નવું ફોર્મ-1 રદ કરી વ્યવહારુ ફેરફારો કરવા સરકારને ભલામણ કરી છે. નવા ફોર્મ સાથે મંજૂર થયેલું બિલ્ડિંગ પ્લાન, બિનખેતી હુકમ અને બિનખેતીનો પ્લાન ફરજિયાત રજૂ કરવાનું જણાવ્યું છે તે પણ વ્યવહારુ નથી. જૂના ગામતળમાં આવેલાં મકાનો- ઈમારતોનાં બાંધકામના પ્લાન પણ નથી પરંતુ એ કારણથી તેવા લોકો પોતાના દસ્તાવેજની નોંધણી જ ન કરાવી શકે એ બાબત તો કુદરતી ન્યાયના સિધ્ધાતની વિરૂધ્ધ છે, માલિકી હક્ક ધરાવનારને મિલકત વેચાણનો બંધારણીય હક્ક છે.
આ કાયદો નહીં હટે તો વિધાનસભા ચૂંટણીમાં તેની અસર દેખાશે
મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને એક મોટો ડામ ભાજપ સરકારે આપ્યો છે અને તે છે મકાનનો. મકાન ખરીદવા-વેચવા માટે કેટલાક બિનવ્યવહારૂ દસ્તાવેજને પણ મેન્ડેટરી કરી દેવાતા સામાન્ય નાગરિકો પર મોટી અસર થશે. રાજ્યમાં જેટલા રાજા-રજવાડા અથવા ગામતળના મકાનો જેના બિનખેતીના હુકમ કે પ્લાન નથી તે નહીં વેચી શકે. જેથી જનતા જનાર્દન આ વર્ષે ચૂંટણીમાં પણ આવા ખોટી રીતે હેરાન કરવાના ઉદ્દેશથી લાગૂ પાડેલા નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને મતદાન અન્ય પક્ષોને કરી શકે તેવું જણાઈ રહ્યું છે.