માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, માઈનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું
ગુજરાતમાં અત્યારે કોરોનાની ત્રીજી લહેરની સાથે હાડ ગાળી નાંખતી ઠંડી પડી રહી છે. આ કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા. જેનાથી ટૂરિસ્ટસ પર આધારિત વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા હતા.
- Advertisement -
ગુજરાતમાં જો ક્યાંય પણ ફરવા જવાની વાત આવે એટલે ગુજરાતીઓના મોઢે સૌથી પહેલું નામ માઉન્ટ આબુનું જ હોય. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલું આ હિલ સ્ટેશન પોતાની પ્રાકૃત્તિક સુંદરતા અને ઐતિહાસિક ધરોહરને કારણે લોકપ્રિય છે. પરંતુ શિયાળામાં અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. અત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે; ત્યારે માઉન્ટ આબુની સ્થિતિ પણ કંઈક એવી જ છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે હિમવર્ષાને પગલે માઉન્ટ આબૂમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં 9 ડિગ્રી ગગડતા તાપમાન માઈનસ 4 ડિગ્રી થઈ ગયું છે.
ગુજરાતીઓનું સૌથી નજીકનું અને મનપસંદ એવુ હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલમાં ઠંડીથી થીજી ગયું છે. માઉન્ટ આબુમાં ઠંડા કાતિલ પવનોના પગલે તાપમાનમાં 12 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. માઉન્ટ આબુની જાણીતી હોટલો, મકાન, કાર અને મેદાનમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. પ્રવાસીઓ અને લોકો આકરી ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.
કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સૂમસામ જોવા મળ્યા હતા. ટૂરિસ્ટ પર આધારિત વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા હતા. સ્થાનિકો જણાવે છે કે, મહિલાઓએ પાણીના માટલા આગથી નજીક રાખ્યા હતા જેથી તે થીજી ન જાય. ગઈકાલે માઉન્ટ આબુમાં રાત્રે નળના પાણી પણ થીજી ગયા હતા.
- Advertisement -