આદરણીય શ્રી ઓધવજી રાઘવજી પટેલના વારસાઈ શ્રીમાન જયસુખભાઇ પટેલ, અમે સૌ જાણીએ છીએ કે આપ અત્યારે સહપરિવાર ભૂગર્ભમાં છો અને આપના પરિવારના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતામાં હશો અને અમે એ પણ સમજીએ છીએ કે આપ અમારા 135 પરિવારની વેદનામાં પણ ડૂબેલા હશો જ.
અમને એ પણ ખબર છે કે નાના ભૂલકાંઓની ચિચિયારીઓ અને એમના માબાપની હતાશાની પરાકાષ્ઠા આપને ચેનથી સુવા નહિ જ દેતી હોય.
ખેર અમે તો મધ્યમવર્ગીય પરિવારો છીએ, આપને દિલાસા સિવાય શું આપી શકીએ કે જે થયું એમાં આપ જરા પણ રંજ ના કરશો. આપ તો મોરબીની આન બાન અને શાન એવા જુલતા પુલને ફરીથી જુલાવવા માંગતા હતા. અમારા કમનસીબે ભલે અમારી ઘડિયાળના કાંટા 30 ઓકટોબર 2022 ના સાંજે 6 વાગે અને 30 મિનિટે અટકી ગયા, પણ આપના અને આપના પરિવારની ઑરેવાની ઘડિયાળના કાંટા અવિરત ચાલુ જ રહેશે, કેમકે આપની સાથે શ્રી ઓધવજી રાઘવજી પટેલની પુણ્યાઈ છે.
બસ એ જ વારસાઈ ને ધ્યાનમાં રાખીને એટલી જ આશા અમે 135 પરિવારો આપની પાસે રાખી શકીએ કે
ભલે હવે અમારા માતા પિતા અમારી સાથે સદેહે નથી રહ્યા,
આપ આજીવન અમારા માતાપિતા બનજો,
ભલે અમારા બાળકો અમારા આંગણા હવે ખૂંદી નથી રહ્યા,
આપ અમારા બાળકો બનીને અમારી વૃદ્ધાવસ્થા પાર પડાવજો,
કાશ આપ ભૂગર્ભમાં ઉતરી જવાને બદલે હિંમતથી પરિસ્થિતિનો સામનો કર્યો હોત તો અમને ઑરેવા ગ્રુપ માટે માન જળવાઈ રહેત, ખેર હજી પણ કશું મોડું નથી થયું. આપ સમાજમાં પાછા ફરો અને આ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરો તેમજ અમારા આ વેરવિખર થઈ ગયેલા 135 પરિવારોને માટે એક પરિવાર બનો અને આપનું સામાજિક દાયિત્વ નિભાવો, જે આપના પરિવારની ખરી વારસાઈ પણ છે અને હવે જવાબદારી પણ.
આપના આ નીડર પગલાથી લોકોને દેશના ભરોસાની ભાજપ સરકારને પણ વધારે નીચાજોણું નહિ કરવું પડે.
આપના આ સાહસિક પગલાથી લોકોના મનમાં દેશની પોલીસ અને ન્યાયપાલિકાની વધારે આબરૂ જતી અટકશે, કેમકે એવી જ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે કાયદાનું અમલીકરણ અને પાલન માત્ર ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે જ છે.
આપને આગ્રહભરી વિનંતી છે કે આપ શ્રી ઓધવજી રાઘવજી પટેલ પરિવારની પુણ્યાઈ પર વિશ્વાસ રાખો, જે આપને ક્યારેય વિચલિત નહિ જ થવા દે.
દેશની ન્યાયપાલિકા પર પર પણ આપ વિશ્વાસ રાખો, કે જે દરેક અજાણતા કે જાણતા કરાયેલ ગુનાહિત કૃત્ય બદલ કરવામાં આવતા પ્રાયશ્ર્ચિતને માન આપે જ છે.
શ્રી જયસુખભાઇ એટલું યાદ રાખજો કે,
આપનું પ્રાયશ્ર્ચિચત જ ઓરેવાં ગ્રૂપનું ભવિષ્ય છે,
આપનું પ્રાયશ્ર્ચિચત જ સમસ્ત પાટીદાર સમાજની આબરું છે.
આપનું પ્રાયશ્ર્ચિચત જ ભરોસાની ભાજપ સરકારનું પ્રમાણ છે.
આપનું પ્રાયશ્ર્ચિચત જ ન્યાયપાલિકા પરનો ટકી રહેતો વિશ્ર્વાસ છે.
પાટીદાર રત્ન એવા જયસુખભાઇ પટેલની અને સૌરાષ્ટ્ર પંથકના ગૌરવવંતા ઓરેવા પરિવારની ચિંતા કરતા કમનસીબ 135 પરિવાર
પત્ર લખ્યા તારીખ 2 નવેમ્બર 2022, બુધવાર રાત્રે 8 વાગે.
લિખિતન – મિલિન્દ રેખા મુકેશ શાહ
9824036764
(સોશિયલ મીડિયામાંથી સાભાર)
- Advertisement -
જયસુખ પટેલ (ઓરેવા ગ્રુપ-મોરબીના ચેરમેન)