પાલિકા તંત્ર રીતસર ખાનગી હૉસ્પિટલને છાવરતી હોવાનું સામે આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં સ્વચ્છતાની વાતો માત્ર કાગળ પર હોવાનું અને પાલિકાની આ સ્વચ્છતાની વાતો સામે પડકાર ફેંકવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલના સંચાલક દ્વારા પોતાની હોસ્પિટલમાંથી નીકળતા ગંદુ પાણી જાહેરમાં કાઢતા હોવાથી પાસે આવેલ સરકારી પુસ્તકાલય અને તાલુકા પંચાયત કચેરી તરફ જવાના માર્ગ પર ગામડું પાણી ફરી વળ્યુ છે. જેના લીધે તાલુકા પંચાયત ખાતે આવતા અરજદારો આ પ્રકારના હોસ્પિટલમાંથી નીકળતા ગંદા અને દુર્ગંધ યુક્ત પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે એટલું જ નહિ પરંતુ તાલુકા પંચાયત ખાતે આવતા તાલુકા વિકાસ અધિકારી પોતે પણ આ પ્રકારના નર્કાગારમાંથી પસાર થાય છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ છેલ્લાં કેટલાક વર્ષથી હીવા છતાં સ્વચ્છતાની વાતો કરતી સ્થાનિક નગરપાલિકા દ્વારા એકેય વખત ખાનગી હોસ્પિટલના સંચાલકને ગંદુ પાણી જાહેરમાં કાઢવાની મનાઈ કરવા સુધીની હિમ્મત દર્શાવી નથી. જ્યારે આ મામલે સ્થાનિક નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલને રજૂઆત કરી ખાનગી હોસ્પીટલ દ્વારા ગંદા પાણીના જાહેરમાં નિકાલ અંગે સંચાલકને નોટિસ કે કાર્યવાહી કરાઈ છે ? તે બાબતે પૂછતાં પોતે અજાણ હોવાનો કક્કો ભણ્યો હતો.
- Advertisement -
ત્યારે સ્વચ્છતા માટેના સામાન્ય લારી ગલ્લા ધારકોને દંડ આપવા દોડી જતી નગરપાલિકા ખરા અર્થમાં ખાનગી હોસ્પિટલ સામે મીંદડી બની બેઠુ હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે. ત્યારે શહેરી વિસ્તારને સ્વચ્છતા માટે નગરપાલિકાની જવાબદારી છે તે વાત નક્કી છે પરંતુ હોસ્પિટલમાંથી પ્રદૂષિત અને ગંદુ પાણી બહાર કાઢવા માટે દંડની કાર્યવાહી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરે તે પણ જરૂરી છે. તેવામાં સ્થાનિક નગરપાલિકા તો ખાનગી હોસ્પીટલ સામે ઢીચણીયે પડી છે પરંતુ હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ મામલે કોઇ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.