ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
હળવદ શહેરમાં ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા મોગલ માતાજીના મંદિર ખાતે પોલીસ સાથે કરવામાં આવેલી કાર્યવાહી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મોગલ માતાજીમાં આસ્થા ધરાવતા લોકો દ્વારા એસપીને આવેદનપત્ર પાઠવી જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના ધાંગધ્રા દરવાજા પાસે આવેલ રાવલફળીમાં ભુવા ફિરોજભાઈ સંધિના ઘરની અંદર મોગલ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા અને વિશ્વાસ સાથે દર્શનાર્થે આવે છે.
- Advertisement -
થોડા સમય પહેલા, ગત 7 ઓક્ટોબરના રોજ મંગળવારે, ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ પોલીસ સાથે આ સ્થળે પહોંચી હતી. તેમણે ભુવા ફિરોજભાઈને જણાવ્યું હતું કે તેઓ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને દર્શને આવતા લોકો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા છે. જોકે, ભક્તજનોનો દાવો છે કે ત્યાં આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. લોકો સ્વયંભૂ રીતે મંદિરે દર્શન કરવા, આરતીમાં ભાગ લેવા અને પ્રસાદનો લાભ લેવા માટે આવે છે. જાથા દ્વારા ભુવા વિશે ખોટી વાતો કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે.
જાથાની આ પ્રવૃત્તિથી ભક્તજનોની લાગણી દુભાઈ છે. આથી, જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એસપીને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ વેળાએ રમેશભાઈ રબારી, વિનોદભાઈ ડાભી, રામભાઈ રબારી સહિતના આગેવાનો અને ભુવા ફિરોઝભાઈ સંધિ સહિતના લોકો હાજર રહ્યા હતા.