દરોડા દરમિયાન ખનિજ માફિયાઓ દ્વારા ટીમ સાથે માથાકુટ સર્જાઈ હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરી કરતા ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે જેમાં ખનિજ માફિયાઓની દાદાગીરી એટલી હદે વણસી ચૂકી છે કે અધિકારીઓ અને કરચરીઓને પણ ગાંઠતા નથી અને જો કોઈ અધિકારી અથવા કર્મચારી ગેરકાયદેસર ખનન પર દરોડો કરવા જાય કે તરત જ આ માફીયાઓ ગુંડાગીરી પર ઉતરી જાય છે ત્યારે આ પ્રકારની જ વધુ એક ઘટના મૂળી તાલુકાના સરલા ગામે ઘટી હોવાની વિગત સામે આવી છે જેમાં સરલા ગામે દુધઈ રોડ પર મોટાપાયે સફેદ માટીની ખનિજ ચોરી ચાલતી હોવાની માહિતી ચોટીલા પ્રાંત અધિકારીની ટીમને મળતા ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જ્યાં ખનિજ માફીયાઓ પ્રથમ તો ટીમની સામે માથાકુટ કરી મારામારી પર ઉતરી આવ્યા હતા જે બાદ પ્રાંત અધિકારીની એન્ટ્રી થતા જ ખનિજ માફીયાઓ ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા હતા. પ્રાંત અધિકારીની ટીમ દ્વારા સફેદ માટીનું ખનન કરતા ત્રણ ડમ્ફર, એક હિટાચી મશીન અને ખનિજ માફીયાઓ પાસેથી ચાર મોબાઇલ સહિત કુલ બે કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સાથે સફેદ માટીનું ખનન કરતા જયપાલસિંહ કાઠિયા તથા મુકેશભાઈ જાદવ વિરુધ કાર્યવાહી હાથ ધરી જમીન માપણી સહજતાની કામગીરી આરંભી છે.