અન્ય પ્રશાસન જ્યારે નિંદ્રામાં હતું ત્યારે પ્રાંત અધિકારીએ સપાટો બોલાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ગેરકાયદેસર પ્રવૃતિ સામે એકલા હાથે લડી રહેલા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની ખરેખર ચો તરફ પ્રશંસા થઈ રહી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી થાનગઢ વિસ્તારમાં તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા કોલસાના ગેરકાયદેસર ખનન સામે તંત્ર જોઈ જાણીને નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે તેવામાં હવે નિંદ્રામાં રહેલા તંત્રને ઊંઘમાં રાખી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ પંથકના ભડુલા અને જામવાડી વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડો કર્યો હતો. આજે વહેલી સવારે જ્યારે તંત્રના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઘોર નિંદ્રામાં હતા ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ભડુલા અને જામવાડી ખાતે ચાલતી ગેરકાયદેસર કોલસાની ખાણ પર દરોડો કરી આશરે ચારથી વધુ કોલસાના કુઆ ઝડપી લીધા હતા. જ્યારે આ ગેરકાયદેસર કોલસાની ખાણ પરથી ટ્રેક્ટર, ચરખી કોલસાનો મોટા પ્રમાણમાં જથ્થો અને કેટલાક મજૂરોને પણ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે હજુય ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દરોડા યથાવત છે અને ભડુલા તથા જામવાડી વિસ્તારને ધમરોળી એક બાદ એક કોલસાની ખાણો પર દરોડા થઈ રહ્યા છે તેવામાં પ્રાંત અધિકારી દ્વારા ખનિજ હેરફેરથી લઈને કોલસાની ખાણ પર દરોડા પાડવાની કામગીરી કરતા હવે તંત્રના અન્ય અધિકારી અને કર્મચારીઓ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
- Advertisement -
થાનગઢ પંથકના ભડુલા તથા જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કોલસાના ખાણો ચાલતી હોવા અંગે “ખાસ ખબર” દ્વારા અનેક અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા છતાં તંત્ર નિષ્ક્રિય ભૂમિકામાં નજરે પડતું હતું પરંતુ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અંતે ભડુલા અને જામવાડી વિસ્તારમાં મોટો દરોડો કર્યો હતો.
પ્રાંત અધિકારીના દરોડામાં લાખોનો મુદ્દામાલ જપ્ત
આજે સવારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ પંથકના ચાલતી ગેરકાયદે કોલસાની ખાણ પર દરોડો કરી ભડુલા વિસ્તારમાં સાતથી વધુ કોલસાની ખાણ પાચ ટ્રેક્ટર સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો જ્યારે જામવાડી વિસ્તારમાં સર્ચ ચાલુ હોવાની વિગત મળી હતી.