બે પાડોશીઓને સમજાવવા જતા રિક્ષાચાલકને ધોકા-પાઇપ ફટકારી પતાવી દીધા
કુવાડવા પોલીસ બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી હત્યારા દંપતી, બે પુત્રની કરી ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી રોડ પર હડાળાના પાટીયા પાસે મોમાઇ હોટલ પાછળ આવેલી વૃજભુમી સોસાયટીમાં રહેતાં અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં લાખાભાઇ પાટડીયા નામના પ્રોઢના ઘર પાસે ઝાડ વાવ્યા હોઇ તે પડોશી પ્રોઢ પ્રવિણ નીરંજનીની ગાય આવીને ખાઇ જતી હોઇ આ બાબતે તેને કહેવા જતાં અમારી ગાય શેરીમાં જ છુટી રખડશે તારાથી થાય તે કરી લેજે કહી ઝઘડો કરતાં પડોશી પ્રવિણને સમજાવવા જતાં ધોકા-પાઇપથી હુમલો થતાં અને વચ્ચે પડેલા વિનુભાઇ ચાવડાને પ્રવિણ અને તેના દિકરાએ ધોકા-પાઇપ ફટકારી દેતાં તેની હત્યા થઇ ગઇ હતી બંને પક્ષે કુવાડવા પોલીસ સામસામી ફરિયાદ નોંધી હત્યાના ગુનામાં સંડોવાયેલ દંપતિ, બે પુત્રોની ધરપકડ કરી છે.
મોરબી રોડ હડાળાના પાટીયા પાસે વૃજભુમી સોસાયટીમાં રહેતાં લાખાભાઇ જીવરાજભાઇ પાટડીયાની ફરિયાદ પરથી તેના પડોશીઓ પ્રવિણ નીરંજની બે પુત્રો ચંદ્રેશ અને ચિરાગ અને પત્ની મંજુબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોરે પડોશી પ્રવિણની ગાય છુટી હોઇ જે અમારા ઘર પાસે શેરીમાં ઝાડવું વાવેલુ હોઇ તેમાં નુકસાન કરતી હોઇ જેથી પ્રવિણ બાવાજીને ગાય બાંધીને રાખવાનું કહેતાં ગાળો ભાંડી તારાથી થાય તે કરી લેજે કહી ધમકી આપી હતી
રાજકોટ મોરબી રોડ પર ગણેશ પાર્કમાં રહેતાં વિનુભાઇ પોપટભાઇ ચાવડા પોતાનું ઘર સાફ કરવા આવ્યા ત્યારે પ્રવિણએ ગાય બાબતે મારા પરિવાર સાથે ઝઘડો કર્યો હતો મારા પત્નિ કાંતા અમારા દિકરા વહુઓને છોડાવવા ગયા હતાં. આ વખતે પ્રવીણએ લાકડાનો ધોકો મારા દિકરા અનીલને માથામાં મારી દીધો હતો અને ચંદ્રેશે લોખંડનો પાઇપ મારા દિકરા વિમલને માથામાં ફટકારી દીધો હતો. મંજુબેને મારી પુત્રવધૂ સરોજને મારવા માંડી હતી. અમે વચ્ચે છોડાવવા ગયા હતાં. આ વખતે પ્રવિણના દિકરા ચીરાગે રિક્ષા મારી સાથે ભટકાડી દીધી હતી અને મને પછાડી દીધો હતો દેકારો થતો હોઇ પડોશ વિનુભાઇ પોપટભાઇ ચાવડા અમને છોડાવવા વચ્ચે પડતાં પ્રવિણ નીરંજનીએ વિનુભાઇને જમણા હાથમાં ધોકો ફટકારી દીધો હતો. તેમજ ચંદ્રેશ વિનુભાઇને માથામાં પાઇપનો ઘા મારી દેતાં તે લોહીલુહાણ થઇ પડી ગયા હતાં. આ કારણે મારો દિકરો વિમલ બીકને લીધે ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં કોઇએ 108ને ફોન કરતાં મને મારા દિકરા અનિલ મારા પત્નિ કાંતાને અને ગંભીર ઇજા પામનારા વિનુભાઇ ચાવડાને હોસ્પિટલમાં ખસેડયા હતાં અંહી વિનુભાઈનું મોત નીપજ્યું હતું હત્યાનો ભોગ બનેલા વિનુભાઇ ચાવડા ત્રણ ભાઇઓ અને ત્રણ બહેન સંતાનમાં બે પુત્ર અને ચેતન હોવાનું જાણવા મળ્યું છે. વિનુભાઇ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં.
આ બનાવમાં સામે પક્ષે મંજુબેન પ્રવિણભાઇ નીરંજનીએ પડોશીઓ લાખાભાઇ પાટડીયા, અનિલ પાટડીયા, વિમલ પાટડીયા અને સરોજ પાટડીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કે મારા પતિ પ્રવિણ નીરંજની હડાળાના પાટીયે વાહન રીપેરીંગનું ગેરેજ ધરાવે છે મારો પતિ બહાર ઝઘડો કરતાં હોય આરોપીઓ તમારી ગાયોને છુટી શું કામ મુકો છો તે અમારા ઝાડને નુકસાન કરે છે. આથી મારા પતિએ કહેલું કે અમે ક્યારેક જ ગાયને છુટી મુકીએ છીએ. આ વાતે અનિલે ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ મારા પતિને મારકુટ કરી હતી આ વખતે મારો દિકરો ચિરાગ રિક્ષા લઇને આવતા તેણે લાખાભાઇ સાથે રિક્ષા ભટકાવી દીધી હતી. વચ્ચે પડોશી વિનુભાઇ ચાવડા આવતાં અને પડોશી સલમાબેન રજાકભાઇ નોતીયાર આવતાં તેને પણ ઇજાઓ થઇ હતી. સલમાબેનને અનિલે ધોકો ફટકાર્યો હતો. વિનુભાઇને મારા પતિ અને દિકરાના હાથે ધોકા-પાઇપના ઘા લાગી ગયા હતાં.
મારામારીમાં ઘાયલ થયેલાઓમાં લાખાભાઇ જીવરાજભાઇ પાટડીયા, પત્નિ કાંતાબેન, પુત્ર વિમલ, અનિલ, પુત્રવધુ સરોજબેન તેમજ માયાબેન સંજય પાટડીયા ઉપરાંત સામા પક્ષે મંજુબેન પ્રવિણભાઇ નીરંજની તેના પુત્ર ચંદ્રેશ અને પડોશી સલમાબેનને ઇજાઓ થઇ હતી. આ તમામને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી બનાવ અંગે કુવાડવા પીઆઇ બી. ટી. અકબરી સહિતે બંને ગુના દાખલ કરી આરોપીઓને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.