બેઠા પુલના સમારકામ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોએ રોડ ચક્કાજામ કરતા ટ્રાફિકજામ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના પાળ ગામે બેઠા પુલને લઈને આજે 50 ગામના લોકો વિરોધ પર ઉતરી આવ્યા હતા. પાળ, રાવકી, ખાંભા, માખાવડ, લોધિકા, ચીભડા, હરિપર સહિત 50 ગામના લોકો બેઠા પુલને કારણે પરેશાની ભોગવી રહ્યા છે. આથી આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી રોડ ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો. અગાઉ આ બેઠા પુલને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આજે ગ્રામજનોએ રોડ ચક્કાજામ કરતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ચોમાસામાં આ બેઠા પુલ પરથી 6-6 ફૂટ પાણી વહે છે. આ ગામડાઓના લોકોને રાજકોટ આવવા-જવા માટે એકમાત્ર રસ્તો છે. ઘણા સમયથી સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ રોડનું કોઈ સમારકામ થયું નથી.