ગ્રામજનોની નાલાની ઊંચાઈ અને પહોળાઈ વધારવાની માંગણી, માંગણી ન સ્વીકારાતા ગામ બંધ પાળવાની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે-27 પર ચાલી રહેલા સિક્સ લેન હાઈવેના કામ દરમિયાન, વીરપુર (જલારામ) ખાતે સૌભાગ્ય હોટેલ ચોકડી પાસે બની રહેલા નાલાના કદને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગણી છે કે હાલ જે નાલુ (બોક્સ) બનાવવામાં આવી રહ્યું છે તેની ઊંચાઈ અને પહોળાઈ પૂરતી નથી, જેના કારણે ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
વાહનવ્યવહારની મુશ્કેલી: ગ્રામજનોના જણાવ્યા મુજબ, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, દ્વારકા અને દીવ તરફથી આવતા યાત્રાળુઓની બસ, ધંધાર્થીઓના ભારે વાહનો, ક્રેઈન, મોટા વાહનો, ખેડૂતોના કપાસના ટ્રકો અને સ્કૂલ બસો જેવા મોટા વાહનો માટે આ નાલામાંથી અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બનશે. આ સ્થિતિ ભવિષ્યમાં અકસ્માત ઝોન બની શકે છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ ઊભી કરશે.
સ્થાનિક આગેવાનોની રજૂઆત: વીરપુરના ગ્રામજનોએ આ અંગે ધારાસભ્ય જયેશ રાદડિયા, સાંસદ ડો. મનસુખ માંડવીયા અને સ્થાનિક આગેવાન ગોરધનભાઈ ધામેલિયાને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ કોઈ સંતોષકારક નિર્ણય ન આવતાં ગ્રામજનોમાં આક્રોશ વધ્યો છે.
આંદોલનની ચીમકી: ગ્રામજનોની આ વ્યાજબી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો, નાછૂટકે તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર બેસશે અને વીરપુર ગામ સદંતર બંધ પાળીને વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દાને ઉકેલવા માટે વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા, યુવા એડવોકેટ અનિલભાઈ સરવૈયા, હોટેલ એસોસિએશન વતી અતુલભાઈ બારસીયા સહિતના આગેવાનો સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.