‘ગેરકાયદે છૂટા કરાયેલા તમામ કામદારોને પરત લો’, મયુરભાઈ પાટડીયાની આગેવાનીમાં સંઘ દ્વારા માંગ: મેનેજમેન્ટની ખામીનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પરના 300થી વધુ સફાઈ કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરવાના નિર્ણય સામે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે લેખિત રજૂઆત કરીને વિરોધ નોંધાવ્યો છે.
મનપા કચેરીએ મયુરભાઈ પાટડીયાની આગેવાનીમાં સફાઈ કામદારો દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, શહેરની જરૂરિયાત મુજબ 350થી વધુ સફાઈ કામદારોની જરૂર છે, પરંતુ મનપામાં મેનેજમેન્ટની ખામીને કારણે કામદારોને છૂટા કરાયા છે.
અગાઉ આ મામલે સમાધાન થયા બાદ તા. 02/02/2024 થી 40થી વધુ કામદારોને પરત લેવામાં આવ્યા હતા. જોકે, અચાનક પુન: તા. 01/09/2024 ના રોજ કોઈપણ વાંક-ગુના વગર ઝોન વાઇઝ સફાઈ કામદારોને છૂટા કરી દેવાયા છે.
સંઘે જણાવ્યું કે, અગાઉ કુલ 280 પાર્ટ ટાઇમ સફાઈ કામદારો રાખવાનો ઠરાવ કરાયો હતો અને હાલની એજન્સીને 400 કામદારો પૂરા પાડવાનો ઓર્ડર હોવા છતાં ઓછા કામદારો રાખીને અન્યાય થઈ રહ્યો છે. કામદાર યુનિયનની મુખ્ય માગ છે કે, છૂટા કરાયેલા તમામ કામદારોને તાત્કાલિક કામ પર પરત લેવા માટે જરૂરી આદેશો આપવામાં આવે.



