મનપાનાં કમિશનર, સેનિટેશન સુપ્રિ.ને LEDમાં આટલો રસ કેમ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાની સ્થાયી સમિતિની બેઠક ગુરૂવારે મળનાર છે. ત્યારે બેઠકની કાર્યસૂચીમાં ફરી સ્વચ્છતાનાં પ્રચાર-પ્રસાર માટે એલઇડી સ્ક્રીન મુકવાની દરખાસ્ત કમિશનર તરફથી કરવામાં આવી છે. આ ત્રીજી વખત દરખાસ્ત કરાઇ છે. 57 લાખનાં ખર્ચે એલઇડી મુકવાની વાત છે. આ પહેલા બે વખત આ મુદો સ્થાયી સમિતિએ પેન્ડીંગ રાખ્યો હતો. છતા પણ કમિશનર તરફથી ફરી દરખાસ્ત કરવામાં આવી છે. આ કામમાં કમિશનર અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટને રસ કેમ છે ? તેવા સવાલ ઉઠી રહ્યાં છે. જૂનાગઢમાં સ્વચ્છ સર્વેક્ષણને લગતા પ્રચાર-પ્રસાર માટે એલઇડી સ્ક્રીન મુકવાની છે. આ કામ માટે રૂપિયા 57.41 લાખની મંજૂરીની રાહ જોવાય રહી છે. તારીખ 29 માર્ચ 2022નાં સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટનાં પત્રથી કમિશનરે સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તનો વિરોધ ઉઠ્યો હતા. જેના કારણે સ્થાયી સમિતિએ કમિશનરની દરખાસ્ત પેન્ડિગ રાખી હતી. બાદ તારીખ 21 એપ્રિલ 2022નાં ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. ત્યારે પણ આ મુદો સમિતિએ પેન્ડિગ રાખ્યો હતો. બે વખત વિરોધ થતા કમિશનરની દરખાસ્ત પેન્ડિગ રહી હતી. બાદ આગામી તારીખ 30 જૂન 2022નાં મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં ફરી ત્રીજી વખત દરખાસ્ત મુકવામાં આવી છે. જૂનાગઢમાં 57 લાખની એલઇડીની ખરેખર જરૂરિયાત છે ?, એલઇડીમાં પ્રચાર કરવાથી જાગૃતિ આવે ખરી ?. બે -બે વખત વિરોધ થયો અને દરખાસ્ત પેન્ડિગ રહી છતા કમિશનર કેમ ફરી દરખાસ્ત કરી રહ્યા ?, આ કામમાં આટલો રસ કેમ લેવામાં આવી રહ્યો છે? સહિતનાં સવાલો ઉભા થયો છે. તેમજ આગામી સમયમાં મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્તને મંજુરી આપવામાં આવશે કે નહી ? તેના પર નજર રહેશે.
- Advertisement -
આગાઉ બે વખત LED સ્ક્રીનનો વિરોધ ઉઠતા સ્થાયી સમિતિએ દરખાસ્ત પેન્ડિંગ રાખી હતી
ગુરુવારે મળનાર સ્થાયી સમિતિમાં ફરી સ્વચ્છતાનાં પ્રચાર-પ્રસાર માટે કઊઉની દરખાસ્ત કરાઇ
LEDની જગ્યાએ સફાઇ સહિતનાં કામમાં રકમ ફાળવો
કોંગ્રેસનાં કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ મેયર, સ્થાયી સમિતિનાં ચેરમેનને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં સફાઇ કર્મચારીઓની ઘટ છે. સફાઇનાં સાધનોની ઘટ છે. પરંતુ અધિકારીઓને અડધા કરોડની એલઇડી સ્ક્રીન ખરીદવામાં વધુ રસ છે. એલઇડી સ્ક્રીન ખરીદી પ્રચાર-પ્રસાર કરવાની જગ્યાએ અન્ય માધ્યથી પણ પ્રચાર – પ્રસાર કરી શકાય તેમ છે. અડધા કરોડ જેવી માતબર રકમ પ્રજાનાં કામ માટે વપરાવી જોઇએ. સફાઇ સહિતનાં કામમાં આ રકમ ફાળવવી જોઇએ. એલઇડીની દરખાસ્ત નામંજુર કરવી જોઇએ.આ રકમ પ્રજાનાં વિકાસનાં કામમાં માટે ફાળવવા જોઇએ. સ્વચ્છતાનાં પ્રચારનાં અન્ય માધ્યનો ઉપયોગ કરી શકાય તેમ છે.
- Advertisement -
દરખાસ્ત કાયમી માટે રદ્દ થવી જોઇએ
એલઇડી સ્ક્રીન મુકવાની સ્થાયી સમિતિમાં ત્રીજી વખત દરખાસ્ત થઇ છે.બે વખત પેન્ડિગ રહે છે. છતા પણ દરખાસ્ત કરવામાં આવી છે. સ્થાયી સમિતિએ કાયમી માટે આ દરખાસ્ત રદ કરવી જોઇએ. તેવી માંગ ઉઠી છે.