મઢડાથી જૂનાગઢ આવતી વખતે વંથલી નજીક બનેલી ઘટના
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં માર્ગો પર રખડતા પશુઓ અડિંગો જમાવી બેસી રહે છે. એટલું જ નહીં હવે નેશનલ હાઇવે ઉપર પણ આવતા પશુ જોવા મળી રહ્યાં છે. ત્યારે વંથલી નજીક ગુરૂકુળ નજીક એક આખલાએ યુવાનને ટક્કર મારતા જૂનાગઢનાં આશાસ્પદ યુવાનનું મોત થયું હતું.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢમાં રખડતા પશુએ એક પરિવારનો એકનો એક સહારો આશાસ્પદ યુવકને હડફેટે લઇ લેતા તેનું મોત થયાની દુ:ખદ ઘટના સામે આવી છે.જૂનાગઢમાં મધુરમ આકાશગંગા સોસાયટીમાં રહેતા હિરેન ભનુભાઇ પરમાર (ઉ.વ.19) ગઇકાલે સાંજે મઢડાથી વાહન લઇને જૂનાગઢ પોતાના ઘર તરફ આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં વંથલી ગુરુકુળ પાસે એક આખલાએ જોરદાર ટકકર મારી દેતા હિરેન રસ્તા પર પડી ગયેલો તેને ગંભીર હાલતમાં વંથલીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઇ આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. હિરેનના પિતાનું થોડા વર્ષો પહેલા જ અવસાન થયું હતું, અને તેમના પરિવારમાં તેમની માતાનો એકનો એક પુત્ર અને સહારો હતો. જે રખડતા માલઢોરના કારણે આજે છીનવાઇ જતા પરિવાર અને માતા પર આભ તૂટી પડયું છે.
નેશનલ હાઇ-વે ઉપર ઘાસ હોય પશુઓનો અડીંગો
જૂનાગઢનાં નેશનલ હાઇવેનાં ડિવાઇડર ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ અહીં ઘાસ ઉગી નિકળ્યું છે. જેના કારણે રખડતા પશુઓ હાઇવે પર અડીંગો જમાવી બેસી રહે છે. પરિણામે અહીંથી પસાર થતા વાહન ચલકો ઉપર જોખમ રહે છે.