ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવલખી બંદર અને કોસ્ટલ વિસ્તારમાં આવેલા 8 ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ટાપુઓ પર માનવ વસાહત ન હોવાથી અહીં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, માળિયા (મિયાણા) પોલીસ સ્ટેશન હેઠળ આવતા નીચે મુજબના 8 ટાપુઓ પર કોઈપણ વ્યક્તિનો પ્રવેશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે: મામલીયા ટાપુ, મુર્ગા ટાપુ, અનનેમ ટાપુ-1 થી અનનેમ ટાપુ-6 આ ટાપુઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવી, ઘૂસણખોરી કરવી, કે સુરક્ષાને લગતા પ્રશ્નો ઊભા થાય તેવા કૃત્યો કરવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ આ ટાપુઓ પર પ્રવેશ કરી શકશે નહીં કે બોટ લાંગરી શકશે નહીં.
- Advertisement -
આ નિયમ કેન્દ્ર અને રાજ્ય સરકારના સુરક્ષા દળો, ફોરેસ્ટ વિભાગ, મહેસૂલ વિભાગ, લેન્ડ રેકોર્ડ્સ અને ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ ભંગ બદલ ફરિયાદ નોંધવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામું તા. 19/11/2025 સુધી અમલમાં રહેશે.