અનધિકૃત બાંધકામથી નેશનલ હાઇવે પર બ્લેક સ્પોટ ઊભો થતો હોવાથી રસ્તા પર અકસ્માતનો પણ ભય રહેતો હતો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ કોડિનાર તાલુકાના કડવાસણ ગામના સરકારી સર્વે નંબર-26માં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા અંગેની ફરિયાદ બાબતે રેવન્યૂ વિભાગની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતાં સવાલવાલી સરકારી જમીન તા.06/02/2015 ના રોજ નેશનલ હાઇવે ચારમાર્ગિય કરવાના હેતુસર સંપાદન કરવામાં આવેલ હતી.
- Advertisement -
આ સરકારી જમીન પર કરેલ ગેરકાયદેસર બાંધકામોને એડહોક વળતર ચૂકવવા બાબતેની વર્ષ-2023 માં થયેલ તપાસ તજવીજના આકારણી પત્રકના કોલમ-4 માં ગેરકાયદેસર બાંધકામ કરનાર દિનુભાઈ બોઘાભાઈ સોલંકી તથા દિલીપ લખમણ બારડનું આવેલ હોવાનો અહેવાલ થયેલ હતો. નેશનલ હાઇવે ઓથોરિટીના તા.10/04/2017 ના સરકયુલર મુજબ સરકારી જમીન પરના ગેરકાયદેસરના બાંધકામ અંગે કોઈ વળતર આપવાની જોગવાઈ ન હોય, પ્રાથમિક તપાસમાં આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી આંગળવાડીનું બોર્ડ મારીને લોકોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવા અને અનધિકૃત બાંધકામ તાત્કાલિક દૂર કરવાનો તપાસનીશ અધિકારી દ્વારા અહેવાલ થયેલ હતો. આ ઉપરાંત, અનધિકૃત બાંધકામથી નેશનલ હાઇવે પર બ્લેક સ્પોટ ઊભો થતો હોવાથી રસ્તા પર અકસ્માતનો પણ ભય રહે છે. જેથી આ બાંધકામ દૂર કરી જમીન કબ્જો આપવા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં નેશનલ હાઈવેના અધિકારી દ્વારા ભૂતકાળમાં ચાર વખત રજૂઆત કરવામાં આવેલ હતી. હાલમાં, નેશનલ હાઇવે પરનો ટોલ લેવાની કામગીરી શરૂૂ હોવાથી રોડની કામગીરી સંપૂર્ણ ન થતાં લોકો દ્વારા પણ અવાર-નવાર ફરિયાદ કરવામાં આવતી હતી. જેથી આ અનધિકૃત બાંધકામને સત્વરે દૂર કરીને નેશનલ હાઇવેને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.