તપાસની ખાત્રી બાદ લડત મોકૂફ, ન્યાય નહિ મળે તો ફરી લડત શરૂ કરાશે
બાંટવા તાલુકાના પાદરડી ગામના આર્મીમેન કાનાભાઇ ગોવિંદભાઇ કેશવાળાને બાંટવા પોલીસ સ્ટેશનના કર્મીઓએ માર માર્યો હતો. આ મામલે અગાઉ જોરદાર વિરોધ સાથે રજૂઆત કરતા એસપી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા અગાઉ 2 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા જેમણે પોલીસ કસ્ટડીમાં માર માર્યો હતો. દરમિયાન જાહેરમાં માર મારતા કર્મીઓનો વિડીયો વાઇરલ થયો હતો તેમાં શામીલ કર્મીઓ સામે કોઇ પગલાં લેવાયા ન હતા.પરિણામે ગુરૂવારે જૂનાગઢ એસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં માજી સૈનિકો તેમજ ફોજી જવાનો એકઠા થયા હતા અને સવારના 11 થી સાંજના 5 સુધી અનશન કર્યા હતા.
દરમિયાન માજી સૈનિકોના રાજ્ય પ્રમુખ અને જિલ્લા પ્રમુખોએ એસપી સાથે બેઠક કરી હતી. બાદમાં એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ પીએસઆઇ એસ. એન. ક્ષત્રિય અને ડ્રાઇવર જીજ્ઞેશ રવૈયાને સસ્પેન્ડ કરી દીધા છે. દરમિયાન એસપીએ આ મામલે ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરી બાદમાં કાર્યવાહી કરવાની ખાત્રી આપતા આગળના આંદોલનના કાર્યક્રમો હાલ મોકૂફ રખાયા છે. જો યોગ્ય નહિ થાય તો ફરી આંદોલન કરાશે તેમ માજી સૈનિક સંગઠને જણાવ્યું હતું.