એક સપ્તાહ સુધી જિલ્લાભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી પણ સમસ્યાની નહીં?
ખાડાઓથી ખદબદતા રોડ પર થિગડાંવાળા રોડ, ગુણવત્તા માત્ર કાગળ પર
- Advertisement -
છુક છુક ગાડીના ફાટકો, રોડ પર રોડની નીતિ, ડિવાઇડરો દબાયા, મકાનો નીચા ઉતર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
એક સપ્તાહ સુધી જૂનાગઢ જિલ્લાભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. વિવિધ યોજનાઓ અને સહાય ના નામે કાર્યક્રમ યોજી સપ્તાહ સુધી પ્રજાના પૈસાનો વેડફાડ થશે. પ્રથમ દિવસે અધિકારીઓ દ્વારા વિકાસ કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ વિકાસ સપ્તાહની ઉજવણી તો થાય છે પણ સમસ્યાની નહિ તેવા સવાલો આમ નાગરિકો કરી રહ્યા છે. પૌરાણિક નગરી અને ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું જૂનાગઢ આજે પણ માળખાકીય સુવિધાઓની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. શહેરનો વિકાસ થઈ રહ્યો છે તેવા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે શહેરના મૂળભૂત પ્રશ્ર્નો ગિરનારના ગઢ જેટલા જ અડીખમ અને વણઉકેલ્યા ઊભા છે. ખાસ કરીને પરિવહન અને રસ્તાઓની સ્થિતિએ શહેરીજનોને હાલાકીમાં મૂકી દીધા છે. જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ રેલવેના 7 જેટલા ફાટકો છે. આ ફાટકો વારંવાર બંધ થવાથી શહેરમાં દરરોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ફાટકો પર અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવાની યોજનાઓ વર્ષોથી કાગળ પર રહેવાથી શહેરીજનોને ’છુક છુક ગાડી’ના ટ્રાફિકમાં કલાકો સુધી અટવાવું પડે છે. વળી, શહેરના મોટા ભાગના રોડ માત્ર થિગડાંવાળા જ રહી ગયા છે. નવા રસ્તા બનાવવામાં આવે છે, પરંતુ તેનું આયુષ્ય ટૂંકું હોય છે. ઠેર ઠેર પડેલા ખાડાઓ અને ઉબડખાબડ રસ્તાઓ વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે. જૂનાગઢમાં રસ્તાઓના નિર્માણમાં યોગ્ય આયોજનનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. રોડ રિસર્ફેસિંગના નામે જૂના રોડ ઉપર જ નવા રોડ બનાવી દેવાની નીતિના કારણે ગંભીર માળખાકીય પ્રશ્નો ઊભા થયા છે. રસ્તાની ઊંચાઈ વધવાથી રોડ પરના ડિવાઇડર નીચા દબાઈ ગયા છે, જેની સુંદરતા અને સુરક્ષા બંને પર અસર પડી છે. અનેક મુખ્ય રસ્તાઓ પર ખોદકામ કે યોગ્ય લેવલિંગ કર્યા વિના રોડ બનાવવામાં આવતા આસપાસના મકાનો અને દુકાનો રોડના લેવલ કરતાં નીચા ઉતરી ગયા છે. પરિણામે વરસાદનું પાણી સીધું દુકાનો કે ઘરોમાં ઘૂસી જવાની સમસ્યા વધી છે.
ઐતિહાસિક સ્થાનો વિકાસથી વંચિત
શહેરી માળખાકીય સુવિધાની સાથે-સાથે જૂનાગઢના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોનો વિકાસ પણ રૂંધાયો છે. ગિરનાર પર્વત પર રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ પ્રોજેક્ટની જાહેરાત થઇ છે પણ હજુ સુધી આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. ભલે પર્વત પર રોપ-વે જેવી સુવિધા બની હોય, પરંતુ પર્વતની આસપાસના વિસ્તાર પરના મંદિરો સુધીની સુવિધાઓનો વિકાસ હજી પણ મર્યાદિત છે. જયારે શહેરની જીવાદોરી સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતો વિલિગ્ડન ડેમ આજે પણ વર્ષોથી આધુનિકીકરણ અને પ્રવાસન વિકાસના લાભથી વંચિત રહ્યો છે. જૂનાગઢના નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે વહીવટીતંત્ર માત્ર જાહેરાતો પર નહીં, પરંતુ નક્કર આયોજન સાથે રસ્તા, ફાટકો અને ઐતિહાસિક સ્થળોના વિકાસને પ્રાથમિકતા આપે, જેથી શહેરને તેના સાચા ગૌરવ સાથે ’વિકસિત જૂનાગઢ’ બનાવી શકાય.
- Advertisement -
જૂનાગઢમાં ગિરનારના ગઢ જેટલી સમસ્યા
1. છુક છુક ગાડીના ફાટકોની સમસ્યાનો કયારે ઉકેલ ?
2. શહેરમાં થીગડા વાળા રોડ બનાવી દેતા લોકો પરેશાન
3. ગિરનાર પર્વતનો વિકાસ રૂંધાયો, કરોડોનો પ્રોજેક્ટ અધ્ધરતાલ
4. ઐતિહાસિક વિલિગ્ડન ડેમ વિકાસના ’નામ’થી વંચિત
5. રોડ બનાવાની નીતિ સામે ડિવાઈડર દબાયા
6. શહેરના અનેક રોડ ખોદયા વગર બનાવતા મકાનો, દુકાનો નીચા ઉતર્યા