પ્રિયંકાને શાહરૂખ સાથે કામ કરવામાં જ વાંધો હતો
ખાસ-ખબર સંવાદદાતા
શાહરુખ ખાને ’ડોન થ્રી’ ફિલ્મ છોડી દીધા બાદ હવે પ્રિયંકા ફરી આ ફિલ્મમાં કામ કરવા સંમત થઈ હોવાનું કહેવાય છે. જો આ શક્ય બનશે તો વર્ષો પછી પ્રિયંકા બોલીવૂડની કોઈ ફિલ્મમાં લીડ રોલ કરશે. ફરહાન અખ્તર ’ડોન થ્રી’ બનાવી રહ્યો છે. તેમાં શાહરુખને જ મુખ્ય ભૂમિકા કરવાનું કહેવાયું હતું. જોકે, શાહરુખેને સ્ક્રિપ્ટ પસંદ ન પડતાં તેણે ઈનકાર કરી દીધો હતો. તે પછી રણવીરને મુખ્ય ભૂમિકા મળી છે.
- Advertisement -
ડોન ફિલ્મ બની રહી હતી ત્યારે જ શાહરુખ અને પ્રિયંકાના અફેરની ચર્ચા ચગી હતી. તે પછી ગૌરી ખાન તથા કરણ જોહર સહિતના શાહરુખ ખાનના કેટલાક મિત્રોએ દરમિયાનગીરી કરી તેમના વચ્ચે બ્રેક અપ કરાવ્યું હતું. તે સમયે શાહરુખ અને પ્રિયંકા ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે કામ નહીં કરે એવું નક્કી થયું હતું. આથી, ફરહાન શાહરુખને લઈ ’ડોન થ્રી’ બનાવવાની જાહેરાત કરી ત્યારે પ્રિયંકા તેમાંથી આપોઆપ બાદ થઈ ગઈ હતી. જોકે, હવે શાહરુખની જ આ ફિલ્મમાંથી એક્ઝિટ થઈ જતાં પ્રિયંકાની ફરી એન્ટ્રી થઈ રહી છે.
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ફરહાને ફરી રોમાનો રોલ પ્રિયંકાને ઓફર કર્યો છે. બીજી પણ કેટલીક હિરોઈનો આ રોલ માટે હોડમાં છે પરંતુ ખુદ ફરહાન આ રોલમાં પ્રિયંકાને જ ઈચ્છે છે.



