વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો, કોઈ જાનહાનિ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
માળીયા હાઈવે પર વાધરવા ગામના પાટિયા નજીક આજે વહેલી સવારે વડોદરાથી કચ્છ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ પલ્ટી જતા 13 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા જે તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે માળીયા હાઈવે ઉપર વાધરવા ગામના પાટિયા નજીક વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ પલ્ટી મારી જતા બસમાં મુસાફરી કરી રહેલા કુલ 31 મુસાફરો પૈકી 13 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનામાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ (ઉ.વ. 42, રહે. ધોળકા), વિનુભાઈ પરમાર (ઉં.વ. 45), વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (ઉં.વ. 23), કાનો દિનેશભાઇ (ઉં.વ. 19) (રહે. ત્રણેય અમદાવાદ), ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (ઉં.વ. 24, રહે. આણંદ), સૌરભ સોની (ઉં.વ. 30, રહે. બરોડા), દિપક પરસોત્તમ આણંદદાની (ઉં.વ. 34), કલ્પના દિપક આણંદદાની (ઉં.વ. 34) (રહે. બંને આદિપુર), રવિભાઈ પટેલ (ઉં.વ. 31, રહે. અંજાર), ઇરસાદભાઈ આલમભાઈ (ઉં.વ. 32), લીલાબેન રાજેશભાઇ (ઉં.વ. 40) (રહે. બંને ગાંધીધામ), દિનેશભાઇ કાંતિલાલ (ઉં.વ. 58, રહે. કચ્છ) અને દિગ્વિજયભાઈ કાનભાઈ (ઉં.વ. 5, રહે. સામખિયારી) નામના મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જો કે સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાની માહિતી મળી છે.