વૅક્સિનનો સર્જાયેલો વિવાદ કારણ કે ચૂંટણી આચારસંહિતાનો અમલ!: સર્ટિફિકેટમાં વડાપ્રધાનની તસવીરને બદલે ફકત QR કોડ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
દેશમાં કોરોના સામે રામબાણ ઈલાજ જેવી વેકસીનના મુદે હવે સર્જાયેલા વિવાદમાં એક નવો રસપ્રદ વળાંક આવ્યો છે. એક તરફ કોવિશિલ્ડ સામે છેક સુપ્રીમમાં તેની આડ અસર અંગે તપાસ માટે મેડીકલ બોર્ડ રચવાની રીટ અરજી થઈ છે તો બીજી તરફ વેકસીનના બે ડોઝ લીધા બાદ દેશભરમાં લોકોને ઓનલાઈન વેકસીન સર્ટીફીકેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર સાથેનું જે સર્ટીફીકેટ અપાયુ હતું તેમાંથી મોદીની તસ્વીર દુર કરી દેવામાં આવી છે.
અગાઉ સર્ટીફીકેટમાં વડાપ્રધાનની તસ્વીર સાથે દવાઈ ભી ઔર કડાઈ ભી એટલે કે દવાની સાથે કોરોના અંગે જે સાવચેતીના પગલા લેવાના હતા તેનો પણ આકરો અમલનો સંદેશો અપાયો હતો અને જણાવાયું હતું કે સૌ સાથે મળીને ભારત કોવિડ-19ને પરાજીત કરશે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વીકાર્યુ છે કે, વેકસીન સર્ટીફીકેટમાંથી હવે વડાપ્રધાનની તસ્વીર જોવા મળશે નહી. માઈક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ એકસ પર લોકો આ અંગે ચર્ચા કરી રહ્યા છે. એક હેન્ડલ પર લખાયુ કે, કોવિડ વેકસીન સર્ટીફીકેટમાં હવે મોદીજી નજરે ચડતા નથી તે તપાસવા માટે જ સટીફીકેટ ફરી ડાઉનલોડ કર્યુ અને વાસ્તવમાં મોદીની તસ્વીર ગાયબ થઈ ગઈ છે અને તેની જગ્યાએ કયુઆર કોડ આવી ગયો છે.
આ અંગે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એવું કારણ આપ્યુ છે કે, લોકસભા ચૂંટણીના કારણે આચારસંહિતાના કારણે વડાપ્રધાનની તસ્વીર વેકસીન સર્ટીફીકેટમાંથી દુર કરવામાં આવી છે. પરંતુ પ્રથમ વખત એવુ બન્યુ નથી. અગાઉ 2022ની ઉતરપ્રદેશ સહિતની ચુંટણી સમયે પણ ચુંટણીપંચના આદેશથી વડાપ્રધાનની તસ્વીર દુર કરાઈ હતી.
- Advertisement -
2021માં જ આ પ્રકારનો વિવાદ છેડાયો હતો તે સમયે અદાલતમાં પણ મુદો ગયો હતો અને તેમાં કેરળ હાઈકોર્ટે એવો ચૂકાદો આપ્યો હતો કે, દેશના વડાપ્રધાનની તસ્વીર આપણા વેકસીન સર્ટીફીકેટ પર છે. બીજા દેશના સર્ટીફીકેટમાં તેમના વડાપ્રધાનની તસ્વીર ન હોય તો તેમને કદાચ તેમના પીએમ પર ગર્વ નહી હોય પણ આપણને છે.