રવિવારે સાંજે 7-00 વાગે યોજાશે : ઓપરેશન સિંદૂર અને દેશની આન-બાન અને શાનની ગૌરવગાથાનું ગીત-સંગીતે મઢેલું અનેરૂં આયોજન
150થી વધુ ચુનંદા કલાકારોનું મંત્રમુગ્ધ કરતી કલાનું કામણ પ્રદર્શન નિહાળવા જરૂરથી પધારવા NOG ફેડરેશનનો અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ એન.જી.ઓ. ફેડરેશનના સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, દીકરાનું ઘરના ટ્રસ્ટી અનુપમભાઈ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડે તેમની અખબારીયાદીમાં જણાવ્યું છે કે આપણા સૌના લોકલાડીલા ભારત દેશના સ્વપ્નાદૃષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાલ્યકાળથી દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા જીવનમાં અનેક સંઘર્ષોથી ભરેલું રહ્યું છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પાયાના સ્વયંસેવક, શિક્ષક પ્રચારક અને હિમાલયના તપસ્વી ત્યારબાદ ક્રમશ: રાજકોટના ધારાસભ્ય, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને હાલમાં વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના વડાપ્રધાનનું જીવન અનેકાનેક ઉતાર-ચડાવ અને સંઘર્ષોથી ભરેલું છે. તેમના વિશે લખવા બેસીએ તો પુસ્તકોના પુસ્તકો લખાય જાય તેવું તેમનું વ્યક્તિત્વ છે.
જેમના સફળ નેતૃત્વમાં આજે આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. જેમની રાજકીય કારકિર્દીની શરૂઆત આપણા રાજકોટ શહેરથી થઈ છે જેથી તેઓ ખરા અર્થમાં આપણા રાજકોટ અને ગુજરાતના પનોતાપુત્ર છે જેમનું આપણે કાયમ ગૌરવ થાય છે. જેમની રાષ્ટ્રભાવના, નિર્ણયશક્તિ અને દુરંદેશીએ તેમને ફકત ભારતના જ નહીં સમગ્ર વિશ્ર્વના પ્રથમ હરોળના સન્માનીય વ્યક્તિ તરીકે મૂલવ્યા છે. જેમના નેતૃત્વમાં આજે વિશ્ર્વભરમાં ભારત દેશ દરેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન મેળવી રહ્યું છે અને ઓપરેશન સિંદૂરથી વિશ્ર્વના દરેક દેશોને ભારતની તાકાતનો પરચો પણ જેમણે બતાવી દીધો છે તેવા યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી તા. 17-9-2025ના રોજ 75મો જન્મદિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણીને ભવ્યાતિભવ્ય બનાવવાના ભાગરૂપે આવતીકાલ તા. 14-9-2025 ને રવિવારના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એન.જી.ઓ. ફેડરેશન, રાજકોટ દ્વારા મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો નાટ્યોત્સવનું વિનામૂલ્યે નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તા. 17 સપ્ટેમ્બરના રોજ 75 વર્ષ થતાં હોય તેમણે રાષ્ટ્ર વિકાસ માટે કરેલ સંઘર્ષ, સમર્પણ અને બલિદાન તેમજ આપેલ અમૂલ્ય યોગદાનથી સમગ્ર દેશની જનતા માહિતગાર થાય અને તેમનામાંથી પ્રેરણા લઈ તેમનામાં રાષ્ટ્ર ભાવના અને દેશપ્રેમ પ્રબળ બને તે માટે સમગ્ર દેશના ચુનંદા શહેરોમાં ‘નમોત્સવ’ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોનું આયોજન એન.જી.ઓ. ફેડરેશન દ્વારા રાજકોટના પ્રસિદ્ધ હાસ્ય અને લોકસાહિત્ય કલાકાર સાંઈરામ દવેની સમગ્ર ટીમના માધ્યમથી આગામી તા. 14 સપ્ટેમ્બર 2025 ને રવિવારે સાંજે 7-00 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રકમ ગીત-સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવનના વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્ય રૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.
મુંબઈના ડિમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદૂરના ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજૂ થશે. મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ કલારીપાયુટુના કલાકારો વીરરસનો વોર ડાન્સ રજૂ કરશે. ભવ્ય પ્રોપ્સ અને હાઈફાઈ ટેકનિક્સથી સજજ નમોત્સવ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેે.
આ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો ‘નમોત્સવ’ના માધ્યમથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવો અદ્ભુત અને અવિસ્મરણીય નાટ્ય શોમાં મહાત્મા ગાંધી અને કૃષ્ણની પાવન અને પવિત્ર ધરતી ગુજરાતના પનોતા પુત્ર, આધુનિક ભારતના સ્વપ્નદૃષ્ટા, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાળપણથી લઈ 75 વર્ષ સુધીની સંઘર્ષ ગાથા અને યશોગાથા ગીત, સંગીતથી મઢીને અદ્ભુત પાત્રો, દૈદિપ્યમાન કૌશલ્ય, આકર્ષક વેશભૂષા સાથે 150થી વધુ કલાકારો દ્વારા જીવંત નાટ્યશૈલીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં મંજૂરી મળ્યેથી 100 જેટલા ડ્રોન સાથેના ડ્રોન શો યોજવાનું પણ આયોજન થઈ રહ્યું છે. તો આ ભવ્યાતિભવ્ય અને અદ્ભુત કાર્યક્રમ નિહાળવા અને માણવા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને અનુરોધ છે.