જુનાગઢનો કાર્યક્રમ પૂર્ણ કરીને રાજકોટ આવશે : સાંજે 5 થી 7નું રોકાણ
શાસ્ત્રીમેદાનમાં હાઉસીંગ કોન્કલેવ માટે 20 મીનીટ ફાળવાઈ : એક જ સ્થળેથી અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ
- Advertisement -
રાજકોટ ખાતે આગામી તા. 19નાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિરાટ રોડ-શો અને જંગી જાહેરસભાની તૈયારીઓમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ગુંથાઈ જવા પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢનો કાર્યક્રમ પૂર્ણ કરી ત્યાંથી સીધા રાજકોટ સાંજના પાંચ કલાકે પહોંચી બે કલાકનું રોકાણ કરશે તેમ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ અંગેની વિગતો આપતાં વિશેષમાં જણાવ્યું હતું કે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભા માટે 1.15 કલાકનો તેમજ શાસ્ત્રીમેદાનમાં આયોજીત હાઉસીંગ કોન્કલેવ માટે 20 મીનીટ ફાળવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેસકોર્ષ ખાતે આયોજીત કરાયેલ જંગી જનસભાના સ્થળ પરથી જ રુા. 6000 કરોડથી વધુના વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ખાતમુર્હુત કરશે.
વડાપ્રધાનના આ રોડ-શો અને જંગી જનસભા માટે ક્લાસ-1 અને 2ના 131 અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. જ્યારે રોડ-શો માટે વર્ગ-1 અને 2ના 50 અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓના ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. વડાપ્રધાનના કાર્યક્રમના પગલે સર્કિટ હાઉસનું બુકીંગ કરી દેવામાં આવેલ છે તેમજ એસપીજી કમાન્ડોની ટીમ રાજકોટ આવી પહોંચી છે. એસપીજી કમાન્ડોની એક ટીમ ગઇકાલે આવી પહોંચ્યા બાદ વધુ 7 ટીમો આવતીકાલે રાજકોટ આવી પહોંચશે તેમ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
- Advertisement -
વડાપ્રધાનની રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનાર જંગી જનસભા માટે પાંચ ડોમ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ જનસભામાં દોઢ લાખની જનમેદની ઉમટી પડશે. આ ઉપરાંત એરપોર્ટથી યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ-શો પર સ્ટેજ બનાવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે બેઠકોનો દોર સતત શરુ છે.
નરેન્દ્ર મોદીનો રોડ-શો એરપોર્ટથી રેસકોર્ષ કે શાસ્ત્રીમેદાન સુધીનો ? PMO માંથી કાર્યક્રમની રાહ
કલેક્ટર સહિતના અધિકારીઓ સાંજે બન્ને રૂટનું નિરીક્ષણ કરશે : વડાપ્રધાન કાર્યાલયમાંથી સુચના મળ્યે ફાઈનલ કરાશે
રાજકોટમાં આગામી તા. 19મીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિરાટ રોડ-શો અને જંગી જાહેરસભા આયોજીત કરવામાં આવી છે જેમાં રોડ-શો એરપોર્ટથી રેસકોર્ષ કે શાસ્ત્રીમેદાન સુધીનો યોજવો ? તે અંગે પીએમઓમાંથી આખરી કાર્યક્રમની રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિક્ષા કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનનાં આ રોડ-શોના રુટનું આજે સાંજે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એસપીજી કમાન્ડો સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. જે બાદ વડાપ્રધાન કાર્યાલયમાંથી સૂચના મળ્યા બાદ આ રોડ-શોનો રુટ ફાઈનલ કરાશે.
ક્યા વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત
રાજકોટમાં આગામી તા. 19મીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 6000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવનાર છે જેમાં રાજકોટના નિર્માણ પામેલ નાનામવા ચોક, રામાદેવપીર ચોકડી તથા સિવિલ હોસ્પિટલ ચોકના ઓવરબ્રીજ (200 કરોડ), સાયન્સ મ્યુઝીયમ (90 કરોડ), એઇમ્સનો ટીપી રોડ (36 કરોડ), લાઈટ હાઉસ પ્રોજેક્ટ (120 કરોડ)નું લોકાર્પણ થશે.
જ્યારે રાજકોટ-ગોંડલ-જેતપુર સિક્સલેન હાઈવે (1200 કરોડ), અમૂલ પ્લાન્ટ (500 કરોડ), નાગલપર-છાપરા-ખીરસરા-પીપરડી જીઆઈડીસી (1000 કરોડ), રેલવે પેસેન્જર એમ્યુનિટી (50 કરોડ) તેમજ રાજકોટ-જામનગર રેલવે સ્ટેશનનું નવીનીકરણ (આશરે 400 કરોડ)નું ખાતમુર્હુત કરવામાં આવશે.