ઉદ્ઘાટન પહેલા, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ દેશની આત્મનિર્ભરતા અને ગ્રીન મોબિલિટી માટેનું કેન્દ્ર બનવાની શોધમાં એક ખાસ દિવસ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોતાના પ્રવાસના બીજા દિવસે બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રને એક નવી દિશા આપશે.
- Advertisement -
‘Maruti e Vitara’ – મેક ઇન ઇન્ડિયા પહેલનું ઉત્તમ ઉદાહરણ
‘Maruti e Vitara’ ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે. આ કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
બેટરી પ્લાન્ટ – આત્મનિર્ભર ભારત તરફ એક કદમ
- Advertisement -
નવા બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ભારતમાં લિથિયમ-આયન બેટરીના હાઇબ્રિડ ઈલેક્ટ્રોડનું સ્થાનિક ઉત્પાદન શરુ થશે. આ પગલું ભારતની બેટરી ઈકોસિસ્ટમને નવો તબક્કો આપશે અને વિદેશી નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ પ્લાન્ટ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપશે, જે સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતમાં ઈ-મોબિલિટી ક્ષેત્રે આ પગલું ઔદ્યોગિક વિકાસનો નવો દોર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
બપોરે 1:00 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે. તેમનો આ ગુજરાત પ્રવાસ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે. આ પગલું વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને વધુ મજબૂત બનાવે છે.




