શાકભાજી અને કઠોળ સાથે મસાલાના ભાવમાં એકાએક વધારો
ખાસ-ખબર સંવાદદાતા
શાકભાજી અને કઠોળની વધતી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. દરમિયાન મોંઘવારીમાં ’આટા ગીલા’ જેવી કહેવત સાચી સાબિત થતી જોવા મળી રહી છે કેમ કે હવે ભારતીય રસોડાના સૌથી મહત્વના ભાગ મસાલાના ભાવ પણ ખૂબ જ વધી રહ્યા છે. ભારતીય રસોડાની શાન ગણાતા મસાલા જે ભોજનમાં સ્વાદ ઉમેરે છે, તે હવે મોંઘવારીનો ઝટકો સામાન્ય માણસને આપી રહ્યા છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર મસાલા બજારમાં અચાનક મસાલાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે અને ગત 15 દિવસોમાં જ કિંમતોમાં જોરદાર વધારો થયો છે. મસાલાના ભાવ જોતા ખબર પડે છે કે ઘણા મસાલાના ભાવ લગભગ બમણા થઈ ચૂક્યા છે.કાશ્મીરી મરચુ જે પહેલા 300-500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હતુ તે હવે 500-700 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યુ છે. જીરૂં અત્યારે માર્કેટમાં 800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી રહ્યુ છે અને આના હોલસેલ માર્કેટના રેટ 550-680 રૂપિયા પ્રતિ કિલો પર જઈ પહોંચ્યા છે. ગરમ મસાલા જે ભોજનના સ્વાદને વધારે છે તેના ભાવમાં તો 72-80 ટકાનો વધારો આ વર્ષે થઈ ચૂક્યો છે. હળદરના ભાવ પણ સતત વધી રહ્યા છે અને આ મુખ્યરીતે આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપીમાં ઉછાળા સાથે જનતાને મળી રહ્યા છે.
અત્યારે દેશભરમાં ચોમાસાની સીઝન તો ચાલી રહી છે પરંતુ આ વર્ષે અલ નીનો યર રહેવાનું અનુમાન વર્તાઈ રહ્યુ છે જેના કારણે ઘણા પ્રકારના પાક પર નકારાત્મક અસર પડશે. મસાલાની મોંઘવારીની પાછળ આ વખતે ઓછી વાવણી અને ઓછુ ઉત્પાદનનું કારણ ગણાવાઈ રહ્યુ છે. જોકે મસાલાને લઈને ધીમે-ધીમે ભાવ વધવાના સમાચાર પહેલા પણ આવ્યા છે પરંતુ અત્યારે અચાનકથી ભાવોમાં આવો ઉછાળો આવ્યો એ ચોંકાવનારુ છે.