પદ્મકુંવરબા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવામાં તંત્રને શા માટે રસ નથી ? તેની ચોંકાવનારી વિગતો સામે આવી…
વર્ષે લાખોના ખર્ચે બોટલ મંગાવી પરંતુ પ્લાન્ટ રિપેર કરવાના રૂ.4,00,000નું બજેટ નથી!
- Advertisement -
બે વર્ષથી પ્લાન્ટ બંધ રહેતા ઓક્સિજન બોટલ બહારથી મંગાવી લાખોનો ધૂમાડો કરી નાખ્યો
ઓક્સિજનની બોટલમાં પણ કમિશન મળતું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યુ છે
પ્લાન્ટ શરૂ ન કરી સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડનાર સામે શું કડક કાર્યવાહી થશે ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં હવે આરોગ્યસેવા કરતાં વધુ ચર્ચા તેની અવ્યવસ્થા અને ભ્રષ્ટાચારને લઈને ચાલી રહી છે. ખાસ ખબર ન્યૂઝે 4 ઓક્ટોબરે પદ્મકુંવરબા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ છે પણ બંધ હાલતમાં, બહારથી ઓક્સિજન મંગાવી મહિને હજારો રૂપિયાનો ભષ્ટ્રાચાર થતો હોવાની ચર્ચાનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. તેમજ શા માટે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવતો નથી તેની તપાસ કરી હતી. જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામી આવી છે.
આ વિગતો મુજબ હોસ્પિટલમાં રૂ.150-250ના કિંમતની 7 ઓક્સિજનની બોટલ માટે સરેરાશ રોજનો 1500નો ખર્ચ થતો હોવાનું બહાર આવ્યુ છે. આ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમજ આ પ્લાન્ટ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. ત્યારે સવાલ એ થાય છે કે આ હોસ્પિટલ તંત્ર દ્વારા એવું જણાવવામાં આવે છે કે ઓક્સિજન પ્લાન્ટને રિપેર કરવા માટે અંદાજે 4,00,000 જેટલો ખર્ચ થવાની શક્યતા છે જેનું હાલ બજેટ નથી. તો આ બજેટથી અઢી ગણા રૂપિયા તો બહારથી ઓક્સિજનની બોટલ મંગાવી તેની પાછળ વાપરી નાખવામાં આવ્યા છે. ત્યારે અનેક લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ઓક્સિજનની બોટલ બહારથી મંગાવવામાં આવે તો તેમા પણ કમિશન મળે છે. આ ઉપરાંત આવા અણઘડ નિર્ણયો લઇ પ્લાન્ટ શરૂ ન કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનાર સામે શું કડક કાર્યવાહી થશે ? પરંતુ આ ચોંકાવનારી વિગતો પરથી લાગી રહ્યુ છે કે બહારથી ઓક્સિજન મંગાવી મહિને હજારો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તો શા માટે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરવો જોઇએ.