3960 ચોરસ મીટર સરકારી જમીન પર 11 વ્યક્તિઓએ કરેલા દબાણ હટાવતું જિલ્લા વહીવટી તંત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે 11 વ્યક્તિઓએ 3960 ચોરસ મીટર સરકારી જમીન પર કરેલા દબાણ હટાવીને 2.43 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. 29 જુલાઈના રોજ જિલ્લા કલેકટર ઓમ પ્રકાશના આદેશથી આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણીના મામલતદાર ગુમાનસિંહ જાડેજા, પોલીસ ઇન્સ્પેકટર આર.બી.રાણા, સર્કલ ઓફીસર સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટી એ.બી.બાવળીયા તથા પોલીસ, પી.જી.વી.સી.એલ. સ્ટાફ તથા બે જે.સી.બી. દ્વારા આ કામગીરી કરાઈ હતી.
પડવલા ગામે 11 વ્યક્તિઓએ ઔદ્યોગિક તથા વાણિજ્ય હેતુસર ગેરકાયદેસર દબાણ કરેલ હોવાનું જણાતાં કલમ-61 મુજબ કેસો ચલાવી, કલમ-202 મુજબ નોટિસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ હતી. જેનું ક્ષેત્રફળ આશરે 3960 ચો.મી. થાય છે, આ દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત રૂપિયા 2.43 કરોડની હોવાનું મામલતદાર ગુમાનસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.