ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ સાસણ સિંહ સદન ખાતે સ્થાનિક પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ અને ગીર જંગલ વિસ્તાર સાથે જોડાયેલ ગામડાઓના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. આ સાથે સાસણના પ્રવાસનને વધુ વેગ મળે તે દીશામાં પણ સાર્થક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં ગીર વન વિસ્તારના જુદાજુદા નેસ અને સાસણ, છેલણકા, અમૃતવેલ, નાજાપુર, છતરીયા, સુરજગઢ, કરશનગઢ સહિતના ગામોના રસ્તા, વીજળી, પાણી, ગામતળ સહિતના મુદ્દે રજૂ થયેલા પ્રશ્નો અંગે મંત્રી કિરીટસિંહ રાણાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને સંબંધિત અધિકારીઓને સંકલન સાધી ત્વરિત પ્રશ્નોનું નિવારણ લાવવા માટે સૂચનાઓ આપી હતી. ઉપરાંત નીતિ વિષયક પ્રશ્નોમાં સાધનીક કાગળો સાથે ઉચ્ચ સ્તરે મોકલી આપવા માટે નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને વન વિભાગ અને મહેસૂલી જમીનના હદ વિસ્તારના પ્રશ્નોનુ યોગ્ય સંકલન સાથે ઉકેલવા માટે પણ સૂચના આપી હતી.આ બેઠકમાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી પ્રજાલક્ષી પ્રશ્નાનો ઉકેલવા ચર્ચામાં સહભાગી થઈ હકારાત્મક સૂચનો કર્યા હતા.
સાસણમાં મંત્રી સમક્ષ રસ્તા, વીજળી, પાણી, ગામતળાનાં પ્રશ્ર્ને રજુઆત
