પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા સહિતનાઓ મનપા કચેરીએ દોડી ગયા: ડામર રોડ ન હોવાથી લોકોને ભારે હાલાકી
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાને લઈને રાજકોટ શહેરના લગભગ તમામ માર્ગો ખાડા ખરબચડાવાળા થઈ ગયા છે. કેટલીક સોસાયટી, શેરીઓમાં રોડ સાવ ધોવાઈ ગયો છે.
ત્યારે આજે કોંગ્રેસે મહાનગરપાલિકા કચેરીએ જઈ મેયર અને કમિશનરને મુરલીધર સોસાયટીમાં ડામર રોડ બનાવવા માટે રજૂઆત કરી છે. મનપાના પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, કેતનભાઇ તાળા, કનકસિંહ જાડેજા, અજીતભાઈ વાંક લલીતભાઈ પરમાર, ભુપતભાઈ રાઠોડ તેમજ સોસાયટીના આગેવાનોએ મેયર અને ડેપ્યુટી કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી કે, મવડી ગામ મહાનગરપાલિકામાં ભળ્યું તેને ઘણા વર્ષો થયા છે.
- Advertisement -
મુરલીધર સોસાયટીની શેરી નં-1 અને 2માં રોડ સાવ ધોવાઈ ગયો છે. આ સોસાયટી હાલ વોર્ડ નં-11માં આવે છે ત્યાં આવેલી સૂચિત સોસાયટીના લોકો વર્ષોથી પાણી વેરો, મકાન વેરો, વ્યવસાય વેરો નિયમિત રીતે ભરે છે. છતા આજ દિન સુધી ત્યાં ડામર રોડ બનાવવામાં આવ્યો નથી. આ સોસાયટી 5 કિલોમીટર સુધી ફેલાયેલી છે તેથી ત્યાંના રહેવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેથી ત્યાં તાત્કાલિક ડામર રોડ બનાવવા આવે તેવી માગ કરવામાં આવી છે.