બોર્ડે આપેલા જવાબમાં નકકર કામગીરીની કોઇ જ વાત નહીં
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં અનેક સમસ્યા છે. આ અંગે જૂનાગઢનાં ભાજપનાં અગ્રણી પ્રદિપભાઇ ખીમાણીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને રજુઆત કરી હતી.
પ્રદિપભાઇ ખીમાણીએ 31 મુદાને લઇ રજુઆત કરતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને તેના જવાબ આપ્યાં છે. ગિરનાર પર્વત ઉપર લાઇટ, પાણી અને સફાઇની મહત્વની રજુઆત હતી. પરંતુ બોર્ડે યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી. બોર્ડે આપેલા જવાબમાં કોઇ નકકર કામગીરીની વાત કરવામાં આવી નથી. પાવગઢનો વિકાસ થયો છે. પરંતુ ગિરનાર પર્વત ઉપર રોપ-વેને બાદ કરતા ખાસ કોઇ વિકાસ થયો નથી. અહીં પાણી, વીજળી, શૌચાલય, સફાઇની સમસ્યા કાયમી બની છે.
- Advertisement -
ભાજપ અગ્રણીની કેટલીક રજુઆત અને યાત્રાધામ બોર્ડનાં જવાબ
રજૂઆત : પર્વત ઉપરનાં વેપારી, મંદિરનાં પુજારીને રાહત દરે રોપ-વેનાં પાસ આપવા જોઇએ ?
બોર્ડનો જવાબ : ગુજરાત પ્રવાસન નિગમ લી. દ્વારા પ્રગતિમાં છે.
રજૂઆત : અંબાજી મંદિરે શૌચાલય હજુ શરૂ થયા નથી.
બોર્ડનો જવાબ : વીજળી અને પાણીનાં અભાવે ટોયલેટ બ્લોક ઉપયોગમાં મુકી શકાઈ નથી. અહીં કાયમી પાણીની અને વીજળીની વ્યવસ્થા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક રીતે અંબાજી મંદિર સ્થિત રોપ-વે સ્ટેશનમાં આવેલા શૌચાલયનો દરેક શ્રધ્ધાળુઓ ઉપયોગ કરી શકે તે માટે ઉષા બ્રેકોને જાણ કરી છે, તેમની સંમતિ પણ છે.
- Advertisement -
રજૂઆત : ગિરનાર પર્વતનાં 500, 1000 પગથિયા પર શૌચાલય, પાણીની વ્યવસ્થા કરવી જોઇએ.
બોર્ડનો જવાબ : તેના માટે કાયમી પાણી અને વીજળીની જરૂરીયાત છે. જરૂરી કાર્યવાહી માટે સંબંધીત વિભાગને જાણ કરી દેવામાં આવી છે.
રજૂઆત : પર્વત ઉપર વરસાદી પાણીનાં સંગ્રહ માટે ટાંકા બનાવવા જોઇએ.
બોર્ડનો જવાબ : જળ સંપતિ વિભાગને જરૂરી કાર્યવાહી માટે પત્ર પાઠવ્યો છે.
રજૂઆત : પર્વત પરનાં તમામ તળાવનો ઉપયોગ જાહેર જનતાને કરવા દેવો જોઇએ.
બોર્ડનો જવાબ : જળ સંપતિ વિભાગને જરૂરી કાર્યવાહી માટે પત્ર પાઠવ્યો છે.
રજૂઆત : દામોદરકુંડ પાસે ભાઇઓ,બહેનો માટે શૌચાલય બનાવવા જોઇએ.
બોર્ડનો જવાબ : આ વિસ્તાર મહાનગરપાલીકા વિસ્તારમાં આવતો હોય નિયમોનુસાર કાર્યવાહી કરવા પત્ર પાઠવી જાણ કરી છે.
રજૂઆત : મેઇન રોડથી દામોદરકુંડનો પુલ જર્જરીત થઇ ગયો છે.તેનું સમારકામ થવું જોઇએ.
બોર્ડનો જવાબ : આ રસ્તાની કામગીરી મહાનગરપાલીકા દ્વારા હાથ ધરેલ હોઇ જરૂરી નિયમોનુસાર કાર્યવાહી કરવા પત્ર પાઠવી જાણ કરી છે.
રજૂઆત : દામોરકુંડ પર તીર્થ પુરોહિતને સરકારે આપેલા રૂમ નાના છે. તેના બદલે મોટા રૂમ બનાવવા જોઇએ.
બોર્ડનો જવાબ : ખાનગી માલીકી સંચાલીત તીર્થ હોઇ સરકારનાં નિમયોનુસારની દરખાસ્ત કલેકટર મારફત મોકલી આપવામાં જાણ કરી છે.
રજૂઆત : સફાઇનાં કોન્ટ્રાકટનું ટેન્ડર એકસ્ટેન્ડ ન કરતા નવું ટેન્ડર બહાર પાડવું જોઇએ.
બોર્ડનો જવાબ : સફાઇની કામગીરી માટે નવું ટેન્ડર ફેબ્રઆરી 2022માં બહાર પાડવામાં આવેલ. આ ટેન્ડરની મંજુરી અર્થે સરકારમાં દરખાસ્ત રજુ કરવામાં આવેલ છે.જેની મંજુરી મળેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રજૂઆત : ગિરનાર પર્વત પર મોટી લાઇટો નાખી 11 કેવીની લાઇન સપ્લાય માટે નાખી વિદ્યુત પુરવઠો સતત જળવાય રહે તેવું આયોજન કરવું જોઇએ.
બોર્ડનો જવાબ : જરૂરી કાર્યવાહી માટે સંબંધીત વિભાગને જાણ કરી દેવામાં આવી છે.
રજૂઆત : જટાશંકર ધર્મશાળા કે જે ખંઢેર બની ગઇ છે. તેનું રીનોવેશન કરવું જોઇએ.
બોર્ડનો જવાબ : ગિરનાર યાાત્રાધામ વિકાસ મંડળની બેઠકમાં સુચના મળ્યા અનુસારની કામગીરી અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રજૂઆત : સુદર્શન તળાવનાં રીનોવેશનની કામગીરી કરવી જોઇએ.
બોર્ડનો જવાબ : મહાનગર પાલીકા હદમાં આવતુ હોય આ અંગે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવા પત્ર પાઠવી જાણ કરી છે.