અંબાજી મંદિરનાં મહંત વર્ષોથી નીચે મતદાન કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિરે મતદાન મથક ઊભું કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. જોકે અંબાજી મંદિરનાં મહંત પૂ. તનસુખગીરીબાપુ વર્ષોની નીચે જ મતદાન કરે છે. તો અહીં મતદાન મથક ઊભું કરવાનું કેટલું યોગ્ય છે? તેવી ચર્ચા પણ જાગી છે. ગિર સોમનાથ જિલ્લાનાં બાણેજમાં એક મતદાર ધરાવતું મતદાન મથક છે. અહીં એક મતદાર માટે બુથ ઊભું કરવામાં આવે છે. ગુજરાતમાં કોઇ પર્વત ઉપર મતદાન મથક નથી. ત્યારે જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિરે મતદાન મથક ઉભી કરવાની તૈયારીઓ ચાલી રહ્યાની ચર્ચા જાગી છે. અંબાજી મંદિર ઉપર કાયમી રહેણાંક નથી. મંદિરનાં મહંત પૂ. તનસુખગીરીબાપુ નીચે રહે છે. અંબાજી મંદિરે આવ-જા કરે છે. અહીં મતદાન મથક ઊભું કરવું કેટલું યોગ્ય છે? તે આગામી સમય બતાવશે.
- Advertisement -
મતદાન મથકની યાદી તૈયાર કરીએ છીએ : ના.ચૂંટણી અધિકારી
જૂનાગઢ જિલ્લાનાં નાયબ ચૂંટણી અધિકારી રીનાબેન ચૌધરીએ કહ્યું હતું કે, મતદાન મથકોની યાદી તૈયારી કરીએ છીએ અને જેમાં વાંધા સુચનો હશે તે મંગાવવામાં આવશે. જોકે નાયબ ચૂંટણી અધિકારીએ અંબાજી મંદિરે મતદાન મથક ઉભુ કરવાને લઇ કોઇ વાત કરી ન હતી.
2012માં બોરદેવીમાં મતદાન મથકની રજુઆત થઇ હતી
વર્ષ 2012માં બોરદેવી ખાતે મતદાન મથક ઉભુ કરવાની દરખાસ્ત થઇ હતી. જોકે તેને મંજુરી મળી ન હતી. સામાન્ય રીતે નવા મતદાન મથક માટે ઇઆરઓ દરખાસ્ત કરતા હોય છે.
હજુ કોઇ ચર્ચા થઇ નથી: પૂ. તનસુખગિરીબાપુ
અંબાજી મંદિરનાં મહંત પૂ. તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે, હું વર્ષોથી નીચે મતદાન કરું છું. અંબાજી મંદિરે મતદાન મથકની વાત છે, પરંતુ કલેકટર સાહેબ સાથે કોઇ ચર્ચા થઇ નથી.