પ્રક્રિયા વધુ સરળ બનાવવા તથા બીનજરૂરી નોટીસોની સમસ્યા દુર કરવાનો આશય
ખાસ-ખબર સંવાદદાતા
આવકવેરાની જેમ હવે જીએસટીમાં પણ પ્રિ-ફિલ્ડ રીટર્ન ફોર્મ જારી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. જીએસટી રીટર્ન પ્રક્રિયા સરળ બનાવવાનાં ઉદેશ સાથે નવા નાણાંકીય વર્ષનાં પ્રારંભ પૂર્વે જ પ્રિ-ફિલ્ડ રીટર્ન તૈયાર કરી લેવામાં આવશે. આ કવાયતને પગલે બીનજરૂરી નોટીસોની તકલીફનો ઉકેલ આવી જશે. નાણાં મંત્રાલયનાં એક સીનીયર અધિકારીએ જણાવ્યુ હતું કે જીએસટી વિભાગ પાસે ડેટાનું મેચીંગ ન હોવાની મોટી સમસ્યા છે
અને તેને કારણે બીનજરૂરી નોટીસો ઈસ્યુ થતી હોવાની સમસ્યા વધતી જાય છે. વેપાર ઉદ્યોગ વર્ગમાં પણ તેને કારણે વખતોવખત ઉહાપોહ સર્જાય છે. પરંતુ હવે પ્રિ-ફીલ્ડ રીટર્નને કારણે સમગ્ર પ્રક્રિયા સરળ બનવાની સાથે ડેટા મીસમેચનાં ગોટાળા પણ અટકાવી શકાશે. પ્રવર્તમાન સીસ્ટમ હેઠળ જીએસટી વિભાગ દ્વારા સ્વચાલીત તપાસ મોડયુલ ડેટા એનાલીટીકસ તથા સીસ્ટમ દ્વારા નિયત જોખમોનો પ્રયોગ કરીને 20 ટકાથી વધુ ડેટા મીસમેચ થતાં હોય તેવા રીટર્નમાં કરદાતાઓને નોટીસ ફટકારવામાં આવે છે. વિભાગ દ્વારા અલગ-અલગ ડેટાબેઝમાંથી ડેટા મેળવતુ હોવાને કારણે સીસ્ટમ ધીમી કે કેશ થવાનું જોખમ રહેતુ હોય છે અને તેમાંથી બચવા માટે ડીઝીટલ માળખાને વધુ મજબુત બનાવવાની દિશામાં વિશ્ર્લેષણ કરી રહ્યું છે. જીએસટી વિભાગનાં જ એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ (સીબીડીટી) દ્વારા કેટલાંક વર્ષોથી પ્રિ-ફિલ્ડ આવકવેરા રીટર્ન આપવામાં આવી જ રહ્યા છે. અને તે જ ધોરણે જીએસટીમાં પ્રયોગ કરવાની વિચારણા છે.
ડીજીટલ માળખા તથા પ્રક્રિયા માટે ટેકનીકલ સ્વરૂપે કંઈ માહીતી મેળવવામાં આવશે તે વિશે વિભાગે નાણાં મંત્રાલયનું ધ્યાન દોરવાનું રહેશે.જેમ-જેમ ડીજીટલ સીસ્ટમ-પ્રક્રિયા આગળ વધશે તેમ તેમ સમયની પણ બચત થશે. આ માટે અનેક ડેટાબેઝમાંથી ડેટા મેળવવામાં આવી રહ્યા છે તેમાં સમય લાગશે. સુત્રોના કહેવા પ્રમાણે પ્રથમ તબકકે પાયલોટ પ્રોજેકટ શરૂ કરાશે.પ્રિ-ફીલ્ડ રીટર્નની કેવી સ્થિતિ સર્જાય છે તેની ચકાસણી થયા બાદ સંપૂર્ણ રીતે લાગુ કરાશે. નવી વ્યવસ્થા કરદાતાઓની સુવિધા માટે છે અને તે માટે જીએસટી કાઉન્સીલની મંજુરીની જરૂર નથી.