જીએસટી કાઉન્સીલ હેઠળની ફિટમેન્ટ કમીટીએ વિચારણા શરૂ કરી દીધી: નવી સરકારના ગઠન બાદ ફેંસલો થશે
લોકસભા ચૂંટણીની આચાર સંહિતાના કારણે જીએસટી સહિતના ક્ષેત્રો માટેના નીતિ વિષયક નિર્ણયો અટકયા છે. પરંતુ નવી સરકારનાં ગઠન પછી મહત્વનાં ફેંસલા લેવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. જીએસટી કાયદામાં વર્તમાન ચાર ટેકસ સ્લેબ ઘટાડીને ત્રણ કરવાનો તખ્તો તૈયાર થયો છે. 12 ટકાનો ટેકસ સ્લેબ હટાવવામાં આવે તેવી સંભાવના છે.
- Advertisement -
સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જીએસટી કાઉન્સીલ હેઠળની ડીપાર્ટમેન્ટ કમીટી દ્વારા જીએસટી દર સરળ બનાવવાની દિશામાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર તથા રાજયોનાં અધિકારીઓની બનેલી આ કમીટી 12 ટકાનો ટેકસ સ્લેબ રદ કરવાની ભલામણ કરી શકે છે. આ પ્રક્રિયા કરવામાં આવે તો પણ સરકારને જીએસટી આવકમાં કોઈ ફેર ન પડે અને નિર્ણય રેવન્યુ ન્યુટ્રલ બની રહે તે પ્રકારની કવાયત છે. વન નેશન વન ટેકસનાં ઉદેશ સાથે દેશમાં લાગુ થયેલા જીએસટી માળખાને પાંચ વર્ષ કરતાં વધુનો સમય થઈ જ ગયો છે અને ચાલુ નાણાંકીય વર્ષમાં તેમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારી છે જ અને તેનાં ભાગરૂપે ટેકસ સ્લેબ 4 માંથી ઘટાડીને 3 કરવાની કવાયત છે. જીએસટી કાયદામાં હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા તથા 28 ટકાનો ટેકસ સ્લેબ છે.
સોના જેવી કિંમતી વસ્તુઓ માટે 3 ટકાનો એક વધારાનો સ્લેબ છે. જીએસટી લાગુ થયાને લાંબો સમય થઈ ગયો હોવા છતાં સીસ્ટમ ફુલપ્રુફ બની શકી નથી અને કરોડોની ટેકસ ચોરીના કેસો વખતો વખત પ્રકાશમાં આવતા જ રહે છે. છટકબારીઓ બંધ કરવા માટે સરકાર દ્વારા અનેક સુધારા કર્યા જ છે. ટેકસચોરી અટકાવવા નવા-નવા કદમ ઉઠાવવામાં આવી જ રહ્યા છે. કાયદો વધુને વધુ સરળ બનાવવાનો પણ સરકારનો ઈરાદો જ છે.