TNDRF કર્મચારીઓ બચાવ કામગીરી માટે જરૂરી સાધનો સાથે પ્રદેશમાં પહોંચી ગયા છે; ઘણા માછીમારો દરિયાથી દૂર રહે છે જ્યારે ઊંડા દરિયામાં માછીમારી કરવા ગયેલા ઘણા લોકો કિનારે પાછા ફર્યા છે
ભારતીય હવામાન વિભાગ(IMD) દ્વારા ચક્રવાતી વાવાઝોડું ‘દિતવાહ’ને લઈને તમિલનાડુના કડ્ડાલોર જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે.
- Advertisement -
233 રાહત શિબિરો તૈયાર
કડ્ડાલોરના જિલ્લા કલેક્ટર સિબી આધિત્ય સેન્થિલ કુમારે માહિતી આપી કે, ‘જિલ્લામાં 22 અતિ સંવેદનશીલ અને 39 ઉચ્ચ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે, જે વિસ્તારોમાં સામાન્ય રીતે પાણી ભરાવાની સમસ્યા રહે છે. તંત્રએ આ વિસ્તારોમાં પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે મોટર સહિતના જરૂરી ઉપકરણો અને કર્મચારીઓને અગાઉથી તૈનાત કરી દીધા છે. ઉપરાંત, લોકોને સુરક્ષિત આશ્રય આપવા અને ભોજન-પાણીની સુવિધા પૂરી પાડવા માટે 233 રાહત શિબિરો પણ તૈયાર કરવામાં આવ્યા છે.’
કલેક્ટરેટમાં 24×7 કંટ્રોલ રૂમ સક્રિય
- Advertisement -
કલેક્ટરે જણાવ્યું કે, ‘અત્યારે વરસાદ શરુ ન થયો હોવાથી લોકોનું સ્થળાંતર નથી કરી રહ્યા, પરંતુ આ રાહત કેન્દ્રો 1.5 લાખ જેટલા લોકોને આશ્રય આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આરોગ્ય સુવિધાઓની વાત કરીએ તો, જિલ્લાની તમામ સરકારી હૉસ્પિટલોમાં બેકઅપ વીજળીની વ્યવસ્થા, પર્યાપ્ત દવાઓ અને તૈનાત મેડિકલ સ્ટાફ 24 કલાક ડ્યુટી પર હાજર છે. એક મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે, આગામી બે સપ્તાહમાં પ્રસૂતિ કરાવનાર ગર્ભવતી મહિલાઓની યાદી પણ અગાઉથી તૈયાર કરી લેવામાં આવી છે.’ આ દરમિયાન, જિલ્લા કલેક્ટરેટમાં 24×7 કંટ્રોલ રૂમ સક્રિય છે અને સામાન્ય લોકો તેમની ફરિયાદો માટે હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરી શકે છે, જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.
શ્રીલંકામાં વાવાઝોડાનો ભારે વિનાશ
આ ચક્રવાતી વાવાઝોડાએ બીજી તરફના પાડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ કર્યો છે. ત્યાં પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોત થયા છે અને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. શ્રીલંકાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારતે તાત્કાલિક ‘ઓપરેશન સાગર બંધુ’ હેઠળ મદદ મોકલવાનું શરુ કરી દીધું છે. રાહત સામગ્રીની પ્રથમ ખેપ INS વિક્રાંત અને INS ઉદયગિરિના માધ્યમથી શ્રીલંકા મોકલવામાં આવી છે.




