ઉત્તરાયણમાં રોજી-રોટી કમાવવા કારીગરો બીજા રાજ્યોમાંથી આવે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં મુખ્ય પતંગ બજારોમાં જથ્થાબંધ અને છૂટક ખરીદી માટે ચહલપહલ શરૂ થઇ રહી છે. સાથે જ દર વર્ષની જેમ ખાસ દોરી પાવા માટે યુપી બિહારથી કારીગરો રાજકોટ આવી રહ્યા છે. આ સાથે પતંગ દોરીના ભાવમાં 15 થી 20% ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેથી એવું કહી શકાય કે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગના પેચ લડાવવા પણ મોંઘા પડશે. ઉતરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ યુપી બિહાર લખનઉ થી કારીગરો ખાસ રાજકોટ આવી રહ્યા છે અને રાજકોટમાં તેઓ દોરીને કલર કરવા તેમજ દોરી પાવાનું કામ કરી રહ્યા છે.
- Advertisement -
કેટલાક પતંગ રસિયાઓ તો અત્યારથી જ પતંગ ને આકાશમાં ઉડાવી મજા માણી રહ્યા છે. લખનઉથી આવેલા કારીગર ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં તેઓ 10 વર્ષ થી આવી રહ્યા છે તેમના પિતા છેલ્લા 30 વર્ષથી રાજકોટ આવતા હોય છે. રાજકોટમાં ઉતરાયણ પર્વના બે મહિના પૂર્વે પરિવાર સાથે આવી જાય છે અને આવી તેઓ દોરી માંજવાનું કામ કરતા હોય છે. કારીગરો દોરીને કલર કરવાનું તેમજ કાચ અને અલગ અલગ મટીરીયલ થી માંજવાનું કામ કરે છે. આજે તેઓ 1000 વાર, 2500 વાર, 3000 અને 5000 વારની દોરીને કલર કરવાનું તેમજ કાચ તેમજ અન્ય મટીરીયલ વળે તેને પાવાનું કામ કરી રહ્યા છે. દોરી પાવાનું કામ કઠિન હોય છે તેમાં કાચ અને અન્ય મટીરીયલ વાપરતા હોવાથી હાથની આંગળીઓ અને હથેળીમાં કાપા પડી જતા હોય છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, દર વર્ષે ઉતરાયણના બે મહિના પહેલા રાજકોટ આવતા હોય છે અને આ વર્ષે પણ તેઓ રાજકોટ આવ્યા છે. તેમના દ્વારા રનિંગ દોરી પાવા માટે 1000 વારના દોરીના 50 રૂપિયા મજૂરી લે છે જયારે સ્પેશિયલ દોરી પાવા માટે 1000 વારના 100 રૂપિયા મજૂરી લે છે જે દોરી વધુ મજબૂત હોય છે અને તેમાં વધુ કાચ અને અન્ય મટીરીયલ વધુ વાપરવામાં આવે છે. એ વર્ષે મોંઘવારી પણ છે દર વર્ષ જેટલાં પૂરતા ઓર્ડર મળી નથી રહ્યા પરંતુ ઉતરાયણ પૂર્વે બે થી ત્રણ દિવસ દરમિયાન ઘરાકી વધે તેવું અનુમાન છે.