– 100 એકરના રિલાયન્સ ગ્રીનમાં દેશ-વિદેશના કલાકારોનો સંગીત કાર્યક્રમ: ક્રિકેટર, નેતાઓ સહિતના વીઆઇપી માટે હોટલ, કાર બુક
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરિવારના આંગણે ફરી લગ્નોત્સવના પ્રસંગ આવી રહ્યા છે. આગામી તા. 1 થી 3 માર્ચ જામનગરમાં અંબાણી પરિવારના આંગણે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત તથા રાધિકા મર્ચન્ટના પ્રિવેડીંગ કાર્યક્રમોની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે અને વીવીઆઇપીના આગમન માટે અનેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
- Advertisement -
જુલાઇ માસમાં અનંત અને રાધિકા લગ્નગ્રંથીથી જોડાવાના છે. તે પૂર્વેના પ્રિવેડીંગ ફંકશનમાં મોટા જલ્સાના કાર્યક્રમો નકકી થયા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના હસ્ત લિખિત આમંત્રણ કાર્ડ નજીકના કુટુંબીજનો અને મિત્રોને મોકલવામાં આવ્યા છે. આમંત્રણ કાર્ડમાં કંપની અને અનંત અંબાણીના પરિચય અંકિત કરાયા છે. 1997માં દેશની સૌથી મોટી પેટ્રોલીયમ રીફાઇનરી રિલાયન્સ પેટ્રો સ્થાપવામાં આવી હતી.
એક કરોડ વૃક્ષ વાવીને એશિયાનું સૌથી મોટુ મેંગો ફાર્મ વિકસાવવામાં આવ્યું છે. અનંત અંબાણી હજારો પ્રાણીઓની સંભાળ લે છે. જામનગરમાં અમારી રપ વર્ષ જુની યાદો છે. રાધિકા અને અનંત અંબાણીના પ્રિવેડીંગના કાર્યક્રમો તા.1 થી 3 માર્ચ દરમ્યાન રિલાયન્સ ગ્રીન ખાતે 100 એકર જગ્યામાં યોજાવાના છે. 2500 જેટલા મહેમાનો આવવાની ધારણા છે. 17 ફલાઇટ દિલ્હી-મુંબઇ અને જામનગર વચ્ચે અવરજવર કરશે. ત્રણ વિદેશી ગાયકો દુઆ લીયા, બોલીવુડના અનેક કલાકારો, સીંગર, ક્રિકેટર પર આ કાર્યક્રમમાં હાજર રહેવાની ધારણા છે.
દેશના ઘણા રાજકીય આગેવાનો પણ આ અવસરમાં સામેલ થશે. કાર્યક્રમોની તૈયારી માટે અત્યારથી જુદી જુદી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના મુંબઇથી આગમન થઇ ગયા છે. હોટલો બુક થઇ ગઇ છે. ખાનગી પ્લેન, ફોર વ્હીલર સહિતના સાધનો પણ ત્રણ દિવસ માટે બુક કરાવવામાં આવ્યા છે.
- Advertisement -
જબરદસ્ત પ્રિવેડીંગ જલ્સા બાદ જુલાઇમાં અનંત અને રાધિકા લગ્નના તાંતણે બંધાશે. જામનગરમાં કંપનીની વીઆઇટી ટાઉનશીપમાં પરિવાર અને મહેમાનોને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તા.19-1-23ના રોજ અનંત અને રાધિકાની સગાઇ થઇ હતી. તે અગાઉ તા.29-12-22ના રોજ નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં ગોળધાણા વિધિ કરવામાં આવી હતી.