સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને CPRની તાલિમ આપવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, વધતા જતા હૃદય રોગ બનાવોને ધ્યાનમાં રાખી વધારાની હેલ્થ ટીમ ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી હતી. સાથે જ ગિરનાર સ્પર્ધા સાથે સંકળાયેલાઓને ઈઙછની તાલીમ આપવા માટે પણ જણાવ્યું હતું. જેથી ઇમરજન્સીની સ્થિતિમાં સ્પર્ધકોને મદદ આપી શકાય.ઉપરાંત ગિરનાર સ્પર્ધા માટે સ્પર્ધકોને અગવડતા ન થાય તે માટે સાફ-સફાઈ, જરૂરી મરામત કાર્ય અને જાડી જાખરા દૂર કરવા માટે પણ સૂચના આપી હતી. જેમાં સ્પર્ધકોની સલામતી જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પીવાના પાણી માટેની પણ જરૂરી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા હતા.આ સ્પર્ધાઓના સફળ આયોજન માટે 8 કમિટીઓની પણ રચના કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા 7 જાન્યુઆરી અને નેશનલ સ્પર્ધા 4 ફેબ્રુઆરી યોજાશે.