તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં મે મહિનાથી જ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સમયસર આવવાની હવામાન વિભાગની આગાહી છે.
આ દરમિયાન પ્રી-મોન્સૂનને લઈને રાજ્ય સરકારની પૂર્વ તૈયારી વર્તાઈ રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં રાજ્યમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અંગે કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ તથા વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ડિઝાસ્ટર પ્લાન અને કંટ્રોલ રૂમ શરૂ કરવા સરકારે આદેશ કરવાની સાથે તમામ વિભાગોને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
રાજ્યમાં પ્રી-મોન્સૂનને લઈને સરકાર તૈયારીમાં છે, ત્યારે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં મહેસૂલ, ઊર્જા, ગૃહ, સિંચાઈ સહિતના સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, ઇસરો, સેનાની ત્રણેય પાંખ, BSF,, કોસ્ટ ગાર્ડ, NDRF, SDRF, CWC, RAF, રેલવે, ઇજગક સહિત અનેક એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય સચિવે સંબંધિત વિભાગોને તાત્કાલિક રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવા તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી અમલ શરૂ કરવા સૂચના આપી હતી. ભારે વરસાદ-પૂરની સ્થિતિમાં નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે માટે જરૂરી પુરવઠાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
મુખ્ય સચિવે ભૂતકાળમાં વધુ વરસાદવાળા વિસ્તારોની સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવવા તૈયારી કરવા જણાવ્યું હતું. આ સાથે શહેરી વિસ્તારોમાં જૂના-જોખમી મકાનોને ખાલી કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમજ ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રિલ યોજવા અને ગ્રામીણ વિસ્તારમાં ’આપદા મિત્રો’ને તાલીમ આપી સજ્જ કરવા સૂચના અપાઈ છે.
જ્યારે સરદાર સરોવર અને ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા પણ નિર્દેશ અપાવામાં આવ્યા છે.
બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ રાહત-બચાવ કામગીરીની ઝડપ માટે આગોતરી સજ્જતા અને વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આ વર્ષે વહેલું ચોમાસું આવવાની શક્યતા જણાવી, અને આગામી સમયમાં સાપ્તાહિક વરસાદની વિગતો આપવાની વાત કરી છે.
રાજ્યમાં NDRFની 15 અને SDRFની 11 ટીમો ઉપલબ્ધ રહેશે
તેમણે જણાવ્યું કે, ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે ગુજરાત રીજીયનમાં 114% અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 119% જેટલો સારો વરસાદ થવાની સંભાવના છે. તેવામાં ભારે વરસાદી પરિસ્થિતિને લઈને રાજ્યમાં NDRFની 15 અને SDRFની 11 ટીમો ઉપલબ્ધ રહેશે, જે જરૂરિયાત મુજબ તહેનાત કરી શકાશે. આ ટીમો બોટ, લાઇફ જેકેટ અને અદ્યતન કમ્યુનિકેશન સુવિધાઓથી સજ્જ હશે.