અટલ ભવન ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
વિશ્વભરના ગુજરાતીઓમાં શોકની લહેર ફેલાવનાર અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં થયેલા દુર્ઘટનાગ્રસ્તો માટે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા પોરબંદરના અટલ ભવન ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ વિવિધ રાજકીય, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
શ્રદ્ધાંજલિ સભામાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા સહિતના અગ્રણીઓએ વિજયભાઈ રૂપાણીને ભાવવિભોર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સભામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને સંબોધતા, ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે વિજયભાઈનું નેતૃત્વ, રાજકીય વિઝન અને નીતિપ્રધાન કાર્યશૈલી ભવિષ્યની પેઢી માટે માર્ગદર્શક બનશે. તેઓએ ખાસ કરીને પોરબંદર સાથેના લાગણીસભર સંબંધોને યાદ કરતાં તેમની ભવ્ય યાદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે વહેંચી હતી. આ પ્રસંગે પોરબંદર જિલ્લા ભાજપના હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો, તાલુકા-જિલ્લા પંચાયતના પૂર્વ અગ્રણીઓ તેમજ વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહી વિજયભાઈના પવિત્ર સ્મરણોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનોને સાથ અને સાંત્વના આપી હતી.



