જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને અદાલતના અનાદરના મામલામાં ભારતીય સુપ્રીમ કોર્ટે દોષી ગણાવ્યા બાદ એક રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.
જો ભૂષણ દંડ ન ભરે તો તેમને ત્રણ મહિનાની કેદ અથવા ત્રણ વર્ષ સુધી વકીલાત પર રોકની સજા થઈ શકે
સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો કોઈ પ્રકાશન કે મીડિયામાં આવેલા વિચારોથી પ્રભાવિત થઈ શકતો નથી.આ પહેલાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી કરતાં તેના પરની સજાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. ભૂષણે એવું કહીને કોર્ટની માફી માગવાનો કે પોતાની ટિપ્પણી પરત લેવાનો ઇન્કાર કર્યો હતો કે આવું કરવું તે ‘તેમના અંતરાત્મા અને કોર્ટના અનાદર’ સમાન હશે. સુપ્રીમ કોર્ટ સામે ભૂષણના વકીલે તર્ક આપ્યો હતો કે કોર્ટે પોતાની ટીકાનો સ્વીકાર કરવો જોઈએ. તો બીજી તરફ ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને ભૂષણને સજા ન આપવાની વિનંતી કરી હતી. પરંતુ અનાદરના મામલામાં કાર્યવાહી કરવાના કારણને લઈને સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે જજ પોતાનો પક્ષ રાખવા માટે મીડિયાનો સહારો લઈ શકતા નથી.
મામલો શો છે?
આ વર્ષે 22 જુલાઈએ સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણનાં બે વિવાદિત ટ્વીટ ધ્યાને લઈને તેમને નોટિસ મોકલી હતી. પ્રશાંત ભૂષણે 29 જૂનના રોજ આ ટ્વિટ કર્યાં હતાં. કોર્ટે કહ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ પ્રશાંત ભૂષણનાં આ ટ્વીટથી ન્યાયવ્યવસ્થાનું અપમાન થાય છે. તેના જવાબમાં પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે વિચારોની સ્વતંત્રતા અદાલતનો અનાદર ન હોઈ શકે. પણ અદાલતે તેને અનાદર માનીને તેમને તેમને દોષી ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું, “પહેલી નજરમાં અમારું માનવું છે કે ટ્વિટર પર આ નિવેદનોથી ન્યાયપાલિકાની બદનામી થઈ છે અને સુપ્રીમ કોર્ટ અને ખાસ કરીને ભારતના ચીફ જસ્ટિસની ઑફિસ માટે લોકોના મનમાં જે માન-સન્માન છે, આ નિવેદન તેને નુકસાન પહોંચાડી શકે છે.”
ચીફ જસ્ટિસ બોબડેના મોટરસાઇકલ પર બેસવાને લઈને કરેલી ટિપ્પણી પર પ્રશાંત ભૂષણે પોતાના સોગંદનામામાં કહ્યું કે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી સુપ્રીમ કોર્ટનું કામકાજ ન થવાને કારણે તેઓ વ્યથિત હતા અને તેમની આ ટિપ્પણી એ વાતને વ્યક્ત કરતી હતી. તેમનું કહેવું હતું કે તેના કારણે અટકાયતમાં બંધ, ગરીબ અને લાચાર લોકોના મૌલિક અધિકારોનું ધ્યાન રખાતું નથી અને તેમની ફરિયાદ પર સુનાવણી નહોતી થઈ રહી. લોકતંત્રની બરબાદીવાળા નિવેદન પર પ્રશાંત ભૂષણ તરફથી એ દલીલ અપાઈ કે “વિચારોની આવી અભિવ્યક્તિ સ્પષ્ટવાદી, અપ્રિય અને કડવી હોઈ શકે છે, પરંતુ તેને અદાલતની અવમાનના ન કહી શકાય.”
- Advertisement -
કન્ટૅમ્પ ઑફ કોર્ટનો અર્થ શો થાય છે?
હિમાચલ પ્રદેશ નેશનલ લૉ યુનિવર્સિટીના પ્રોફેસર ચંચલકુમાર સિંહ કહે છે, “ભારતના બંધારણના અનુચ્છેદ 129 અને 215માં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને ‘કોર્ટ ઑફ રૅકૉર્ડ’નો દરજ્જો અપાયો છે અને તેને પોતાના અનાદર માટે કોઈને પણ દંડિત કરવાનો હક પણ મળેલો છે.” “કોર્ટ ઑફ રૅકૉર્ડનો અર્થ થાય છે કે સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટના આદેશ ત્યાં સુધી પ્રભાવી રહેશે જ્યાં સુધી એને કોઈ કાયદા કે બીજા નિર્ણયથી રદ ન કરી દેવાય.” વર્ષ 1971ના કન્ટૅમ્પ ઑફ કૉર્ટ ઍક્ટમાં પ્રથમ વખત વર્ષ 2006માં સંશોધન કરાયું હતું. આ સંશોધનમાં બે બિંદુઓ જોડાયાં હતાં. કે જેમના વિરુદ્ધ અનાદરનો મામલો ચાલી રહ્યો હોય ત્યારે ‘હકીકત’ અને ‘દાનત’ પણ ધ્યાનમાં રાખવામાં આવે.
કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો અનાદરનો કાયદો?
વર્ષ 1949માં 27 મેએ આને અનુચ્છેદ 108ના રૂપે બંધારણ સભામાં રજૂ કરાયો. સહમતી સધાયા બાદ આ અનુચ્છેદ 129ના રૂપે સ્વીકારી લેવાયો. અનુચ્છેદના બે બિંદુ હતાં. પ્રથમ- સુપ્રીમ કોર્ટ ક્યાં સ્થિત હશે અને બીજું- અનાદર. ડૉ. ભીમરાવ આંબેડકર નવા બંધારણ માટે બનાવાયેલી સમિતિના અધ્યક્ષ હતા. ચર્ચા દરમિયાન કેટલાક સભ્યોએ અનાદરના મુદ્દે સવાલ કર્યા હતા. તેમનો તર્ક હતો કે અનાદરનો મામલો વાણીસ્વાતંત્ર્ય માટે અડચણનું કામ કરશે. આંબેડકરે વિસ્તારથી સુપ્રીમ કોર્ટને આ અનુચ્છેદ થકી અનાદરનું સ્વતઃ સંજ્ઞાન લેવાના અધિકારની ચર્ચા કરતાં આને જરૂરી ગણાવ્યો હતો. જોકે, બંધારણ સભાના સભ્ય આર. કે. સિધવાનું કહેવું હતું કે આ કાયદાનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે થશે એવું માની લેવું યોગ્ય નહીં હોય. તેમનું કહેવું હતું કે બંધારણ સભામાં જે સભ્યો વ્યવસાયે વકીલ છે, તેઓ આ કાયદાનું સમર્થન કરી રહ્યા છે પણ તેઓ એ ભૂલી ગયા છે કે જજ પણ માણસ છે અને ભૂલ કરી શકે છે. જોકે, સામાન્ય સહમતી સર્જાતાં અનુચ્છેત 129 અસ્તિત્વમાં આવી ગયો. (બીબીસીમાંથી સાભાર)